નવી દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક સાંસદે ગુરુવારે લોકસભામાં માંગ કરી હતી કે સરકારે દેશમાં 'લિવ-ઇન' સંબંધો પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો બનાવવો જોઈએ. પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવી જોઈએ. હરિયાણાના ભિવાની-મહેન્દ્રગઢથી લોકસભાના સાંસદ ધરમવીર સિંહે પણ નીચલા ગૃહમાં શૂન્યકાળ દરમિયાન કહ્યું હતું કે, દેશમાં પ્રેમ લગ્નમાં વધારો થવાને કારણે છૂટાછેડાના કેસમાં પણ વધારો થયો છે. લિવ-ઈન રિલેશનશિપને કારણે દેશની સંસ્કૃતિ બરબાદ થઈ રહી છે.
છૂટાછેડાના કેસમાં વધારો થવાની આશંકા: ધરમવીર સિંહે કહ્યું કે, ભારતીય સમાજમાં લગ્ન પરંપરાગત રીતે પરિવારો દ્વારા ગોઠવવામાં આવે છે, જેમાં યુવક અને યુવતીની પણ સંમતિ હોય છે. તેણે કહ્યું કે આવા સંબંધોમાં ફેમિલી બેકગ્રાઉન્ડને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમણે દાવો કર્યો હતો કે છેલ્લાં કેટલાક વર્ષોમાં અમેરિકા અને પશ્ચિમી દેશોમાં છૂટાછેડાના કેસમાં વધારો થયો છે. તેનું એક મહત્વનું કારણ પ્રેમ લગ્ન છે. માટે બંને પક્ષોની સંમતિ ફરજિયાત છે.