મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે કહ્યું કે 2,000 રૂપિયાની 97.26 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે 19 મે સુધી ચલણમાં રહેલી રૂપિયા 2,000ની નોટો લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. સેન્ટ્રલ બેંકે એમ પણ કહ્યું હતું કે રૂપિયા 2,000ની લગભગ 2.7 ટકા નોટો બેંક શાખાઓમાં જમા કરાવવા અથવા બદલવાની અંતિમ તારીખના લગભગ બે મહિના પછી પણ ચલણમાં છે. બેંકોમાં 2000 રૂપિયાની ઊંચી નોટો બદલવા અથવા જમા કરાવવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર હતી.
આટલી નોટો પરત આવી બેંકમાં : 30 નવેમ્બર, 2023 ના રોજ ચલણમાં રહેલી રૂપિયા 2,000ની બેંક નોટોનું કુલ મૂલ્ય ઘટીને રૂપિયા 9,760 કરોડ થયું છે, એમ આરબીઆઈએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું. આમ, ચલણમાં રહેલી રૂપિયા 2,000ની બેંક નોટોમાંથી 97.26 ટકા 19 મે, 2023 સુધીમાં પરત આવી ગઈ છે. જ્યારે રૂપિયા 2,000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની કુલ કિંમત રૂપિયા 3.56 લાખ કરોડ હતી.