નવી દિલ્હી :દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ અને બીટિંગ રીટ્રીટ સમારોહના આયોજન પર છેલ્લા પાંચ વર્ષમાં લગભગ રૂપિયા 6.9 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં 1,53,62,000 રૂપિયા, 2019માં 1,39,65,000 રૂપિયા અને 2020, 2021 અને 2022માં પ્રત્યેક વર્ષમાં 1,32,53,000 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. સરકારે શુક્રવારે લોકસભામાં આ જાણકારી આપી.
પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રિટ્રીટનો ખર્ચ :આ માહિતી રક્ષા રાજ્ય પ્રધાન અજય ભટ્ટે લેખિત જવાબના રૂપમાં શેર કરી હતી. તેમણે બસપા સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડ અને બીટીંગ રીટ્રીટ સેરેમનીના આયોજન પાછળ થયેલા ખર્ચની વિગતો માંગવામાં આવી હતી.
નાણાકીય વર્ષ 2022-2023 : સંરક્ષણ રાજ્ય પ્રધાને તેમના જવાબમાં જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વિવિધ વ્યવસ્થા કરવા માટેનો ખર્ચ સંબંધિત સહભાગીઓ/કાર્યકારી સંસ્થાઓ/એજન્સીઓ દ્વારા તેમના પોતાના બજેટ ફાળવણીમાંથી ઉઠાવવામાં આવે છે અને તે એક એકાઉન્ટ હેડ હેઠળ સંકલિત અથવા પ્રદર્શિત કરવામાં આવતું નથી. જો કે, નાણાકીય વર્ષ 2022-2023 માટે સંરક્ષણ મંત્રાલયના સેરેમોનિયલ ડિવિઝનની ફાળવણી ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તમામ ઔપચારિક કાર્યો માટે રૂપિયા 13253000 છે.