નવી દિલ્હીઃદિલ્હી-NCRમાં આજે બુધવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે આજે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય હવામાન વિભાગનું કહેવું છે કે નવા વર્ષની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપી શકે છે. વધુ બે દિવસ દિલ્હીમાં ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલી વધશે. આ સિઝનમાં પહેલીવાર બુધવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી. રસ્તાઓ પર વાહનો સાવ ઘીમે ધીમે અવર-જવર કરી રહ્યા છે. બીજી તરફ ઠંડી પણ તેની અસર બતાવી રહી છે.
ગાઢ ધુમ્મસ સાથે ઠંડી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી રહી શકે છે. હાલ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાં ભેજનું સ્તર 95 ટકા રહી શકે છે. પવન 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે. દિલ્હીમાં સવારનું તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે દિલ્હી એનસીઆરના અન્ય શહેરોમાં ફરીદાબાદમાં 9 ડિગ્રી, ગુરુગ્રામમાં 10 ડિગ્રી, ગાઝિયાબાદમાં 8 ડિગ્રી, નોઇડામાં 9 ડિગ્રી અને ગ્રેટર નોઇડામાં 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. મંગળવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ છે. લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે.