નવી દિલ્હી: હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાને (Om Prakash Chautala Convicted) અપ્રમાણસર સંપત્તિ કેસમાં શુક્રવારે 27 મેના રોજ સજા સંભળાવવામાં આવશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ઓપી ચૌટાલાની સજા પર ચર્ચા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. અગાઉ 21 મેના રોજ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. ગુરુવારે સજા પર ચર્ચા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સીબીઆઈ કોર્ટ 27 મે, શુક્રવારે બપોરે 2 વાગ્યે સજા અંગે ચુકાદો સંભળાવશે. JBT ભરતી કેસમાં ઓપી ચૌટાલાને 10 વર્ષની સજા થઈ છે અને ગયા વર્ષે જ તેમની સજા પૂરી થઈ હતી.
આજે કોર્ટમાં શુંથયું :ગુરુવારે અપ્રમાણસર કેસમાં ઓપી ચૌટાલાની સજા પર ચર્ચા થવાની હતી. ઓપી ચૌટાલા પણ વ્હીલ ચેર પર કોર્ટ પહોંચ્યા હતા. ઓપી ચૌટાલા વતી હર્ષ કુમારે સજા પર ચર્ચા દરમિયાન પોતાનો પક્ષ રાખ્યો હતો. ચૌટાલા વતી કહેવામાં આવ્યું કે હું 87 વર્ષનો છું અને બાળપણથી જ બીમાર છું. હવે હું પ્રમાણપત્રમાં 90 ટકા વિકલાંગ અને 60 ટકા અપંગ છું. મારી વિકલાંગતા 60 થી 90 ટકા થઈ ગઈ છે જેના કારણે હું જાતે કપડાં પહેરી શકતો નથી. તેથી મારી ઉંમર અને અપંગતાનું ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો:2024માં ભાજપ તેલંગણામાં સરકાર બનાવશે,પરિવારવાદથી ચાલતી પાર્ટી કોઈનું ભલુ ન કરી શકે: PM મોદી
CBIના વકીલે શું કહ્યું :ચૌટાલા વતી 90 ટકા વિકલાંગતા હોવાનું કહ્યું હતું, તો કોર્ટે પૂછ્યું કે શું તમારી પાસે આનું પ્રમાણપત્ર છે? ચૌટાલાના વકીલ વતી હંમેશા તપાસમાં સહકાર આપવાની અને જેલમાંથી 10, 12ની પરીક્ષા આપવાની વાત પણ કોર્ટમાં કહેવામાં આવી હતી. જો કે, સીબીઆઈના વકીલે આકરી સજાની માંગ કરતા કહ્યું કે જો ચૌટાલાને આ અપ્રમાણસર સંપત્તિ કેસમાં ઓછી સજા થશે તો તેનાથી ખોટો સંદેશ જશે.
કેટલી થઈ શકે છે સજા :અપ્રમાણસર સંપત્તિના મામલામાં ઓપી ચૌટાલાને એકથી સાત વર્ષની સજા થઈ શકે છે. કોર્ટમાં ઓપી ચૌટાલાની વિકલાંગતાથી લઈને જેબીટી કેસમાં થયેલી સજા, તપાસમાં આપવામાં આવેલ સહકાર અને અન્ય બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સજા પર ચર્ચા દરમિયાન, ઓપી ચૌટાલાના વકીલે કોર્ટને વિનંતી કરી કે તેમને ઓછામાં ઓછી સજા આપવામાં આવે, જ્યારે CBIએ આ કેસમાં મહત્તમ સજાની અપીલ કરી.
અપ્રમાણસર સંપત્તિ વધારવાનો આરોપ :ઓમ પ્રકાશ ચૌટાલા પર અપ્રમાણસર સંપત્તિ વધારવાનો આરોપ હતો (ઓપી ચૌટાલા અપ્રમાણસર સંપત્તિ કેસ). આ કેસમાં CBIએ વર્ષ 2010માં ચાર્જશીટ દાખલ કરી હતી. જે મુજબ 1993 થી 2006 ની વચ્ચે તેણે તેની આવક કરતા લગભગ 6 કરોડ રૂપિયા વધુની સંપત્તિ એકઠી કરી હતી. નોંધનીય છે કે, 1999 થી 2005 સુધીના આ સમયગાળા દરમિયાન ઓમ પ્રકાશ ચૌટાલા હરિયાણાના મુખ્યપ્રધાન પણ હતા.