ગંજામ : ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગોઝારા માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. ગંજામ જિલ્લામાં બે બસો વચ્ચેની અથડામણમાં 12 મુસાફરોના મોત થયા હોવાની માહિતી છે. ઉપરાંત અકસ્માતમાં અન્ય 8 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. જિલ્લાના દિગપહાંડી પાસે સોમવારે વહેલી સવારે આ માર્ગ અકસ્માત થયો હતો. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તોને બ્રહ્મપુરની MKCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ રીતે સર્જાયો અકસ્માત : ઓડિશા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની (OSRTC) બસ રાયગડાથી ઓડિશાની રાજધાની ભુવનેશ્વર જઈ રહી હતી. આજે વહેલી સવારે OSRTCની બસ એક ખાનગી બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. આ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા દસ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઉપરાંત ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં મળતી માહિતી મુજબ મૃત્યુઆંક 12 થયો છે અને અન્ય આઠ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોની સારવાર બ્રહ્મપુરની MKCG હોસ્પિટલમાં ચાલી રહી છે. અન્ય મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે, જેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.