નવી દિલ્હી: સત્તાપક્ષ AAP અને દિલ્હીના અમલદારો વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં નવો વળાંક આવ્યો છે. વિધાનસભાની એક પેનલે તાજેતરમાં વિજિલન્સ સચિવ વાયવીવી જે રાજશેખરના ઓબીસી પ્રમાણપત્રની ચકાસણી કરવા માટે તેમના વતન મુલાકાત લીધી હતી. જૂનમાં રાજશેખર વિરુદ્ધ સસ્પેન્ડેડ ઓફિસર પ્રેમનાથે 1994માં સિવિલ સર્વિસ પરીક્ષા દરમિયાન "બનાવટી" OBC સર્ટિફિકેટ રજૂ કર્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે રાજશેખર ઓબીસી કેટેગરીના નથી.
કમિટિએ પાઠવી હતી વારંવાર નોટિસઃ દિલ્હી વિધાનસભાની ધી ઓબીસી વેલફેર કમિટિએ આ ફરિયાદની નોંધ લીધી હતી. કમિટિએ રાજશેખરને પોતાની દલીલ રજૂ કરવા માટે હાજર રહેવા નોટિસ મોકલી હતી. જો કે રાજશેખર કમિટિ સમક્ષ હાજર થયા ન હતા. રાજશેખર તરફથી કોઈ પ્રતિક્રિયા પણ જાહેર થઈ નથી.
સબ કમિટિ પહોંચી આંધ્રપ્રદેશઃ દિલ્હી વિધાનસભાની ધી ઓબીસી વેલફેર કમિટિની સબ કમિટિ જેના અધ્યક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મદનલાલ છે. આ સબ કમિટિ દ્વારા રાજશેખરના ઓબીસી સર્ટિફિકેટની સત્યાર્થતા ચકાસવા માટે વિશાખાપટ્ટનમ અને અનાકપલ્લી ગામની મુલાકાત કરાઈ હતી. સબ કમિટિ જણાવે છે કે રાજશેખરને અનેક નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ તેઓ કમિટિ સમક્ષ ઉપસ્થિત થયા ન હતા. ત્યારબાદ કમિટિએ સર્વિસ અને વિજિલન્સ ડીપાર્ટમેન્ટને પણ સંબંધિત દસ્તાવેજો પૂરા પાડવા વિનંતી કરી પણ કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.
મુલાકાત ધરમનો ધક્કો સાબિત થઈઃ જોકે સબ કમિટિની વિશાખાપટ્ટનમ અને અન્નાપલ્લીની મુલાકાત ધરમનો ધક્કો સાબિત થઈ છે. કારણ કે અન્નાપલ્લી હવે આંધ્રપ્રદેશનો સ્વતંત્ર જિલ્લો બની ચૂક્યો છે. ઉપરાંત અહીના સ્થાનિક અધિકારીઓએ પણ સબ કમિટિને કોઈ ખાસ સહકાર આપ્યો ન હતો. તેમજ કોઈ નક્કર માહિતી પૂરી પાડી ન હતી. હવે કમિટિ આગામી બેઠકમાં કોઈ નિર્ણય કરશે.
30 વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતુંઃ સૂત્રો અનુસાર રાજશેખર દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા કરવામાં આવતા કામોની તપાસ કરી રહ્યા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. યુપીએસસી દ્વારા રાજશેખરને દિલ્હી આંદામાન એન્ડ નિકોબાર આઈલેન્ડ સિવિલ સર્વિસીઝ(DANICS)ના અધિકારી નિયુક્ત કરાયા હતા. 30 વર્ષ અગાઉ યુપીએસસી, ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ અને મિનિસ્ટ્રિ ઓફ હોમ અફેર્સ દ્વારા તેમની નિયુક્તિ સમયે ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન થયું હતું.
દિલ્હીને બદલે 2000 કિમી દૂર કરી વિઝિટઃ રાજશેખરના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરનાર ઉપરોક્ત ત્રણેય સંસ્થાઓ દિલ્હી વિધાનસભાથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં છે. તેમ છતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કમિટિના સભ્યો 2000 કિલોમીટર દૂર આંધ્રપ્રદેશની મુલાકાતે શા માટે ગયા તે આશ્ચર્યજનક છે. (પીટીઆઈ)
- અરવિંદ કેજરીવાલે કહ્યું, વૃદ્ધ નાગરિકોને કરાવશે અયોધ્યાના દર્શન
- 'કેજરીવાલ સરકારે વીજળી કંપનીઓ સાથે મળીને રુ. 10 હજાર કરોડનું કૌભાંડ કર્યું'