“મારૂં બાળક પ્રથમ આવવું જોઇએ,” તેની ઘેલછામાં માતા-પિતા પિડીયાટ્રિશ્યન (બાળકોના ચિકિત્સક) પાસે મોંઘામાં મોંઘાં ટોનિક્સની માગણી કરતાં હોય છે.
બાળકોની યાદશક્તિ વધારવા માટેનાં ટોનિક્સ પાછળ માતા-પિતા મોં-માગ્યાં નાણાં ખર્ચવા માટે તૈયાર હોય છે, પરંતુ ડો. શમાના જણાવ્યા પ્રમાણે, કોઇપણ ટોનિક કરતાં આહારમાંથી મળતું પોષણ અત્યંત મહત્વપૂર્ણ છે. તેઓ અત્યંત આવશ્યક વિગત પર પ્રકાશ પાડતાં જણાવે છે કે, વ્યક્તિના જીવનના પ્રથમ 1000 દિવસોમાં મસ્તિષ્કનું વાયરિંગ થાય છે, અર્થાત્ ન્યૂરોન્સ વિકાસ પામે છે, જોડાણો વિકસાવે છે અને મસ્તિષ્કનો વિકાસ થાય છે. ગર્ભાવસ્થામાં, એટલે કે, 280 દિવસોમાં માતાનું પોષણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. પ્રથમ 6 મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ જ આપવું જોઇએ. તે સિવાયની કોઇપણ ચીજનું એક ટીપું પણ ન આપવું જોઇએ. છ મહિના પછી ઘરે બનાવેલો અને તાજો રાંધેલો પૂરક ખોરાક આપવો જોઇએ. માતાના દૂધનું સેવન કરનારાં બાળકોનો આઇક્યૂ ઘણો ઊંચો હોય છે.
આથી, આ 1000 દિવસોમાં તમે બાળક પર જેટલું વધુ ધ્યાન આપો છો, તેટલી બાળકની બુદ્ધિમત્તા વધુ વિકાસ પામે છે. આ પ્રારંભિક દિવસોમાં જો તમે બાળકને પ્રેમ શીખવશો, તો બાળક પ્રેમાળ બનશે, જો તમે બાળકને ઘૃણા શીખવશો, તો બાળક ઘૃણા કરતાં શીખશે, જો તમે બાળકને કશું જ નહીં શીખવો, તો બાળક કેવળ વય સાથે મોટો થતો જતો માંસનો પિંડ બની રહેશે. આથી, જીવનના આ સમયગાળામાં તમે બાળકને કયો ખોરાક આપો છો, તે અત્યંત મહત્વનું છે, તમે બાળક સાથે કેવી વર્તણૂંક કરો છો, તમે તેનું કેવી રીતે ઘડતર કરો છો, તેની અંદર તમે કેવી આદતો વિકસાવો છો, તે તેના જીવન માટે નિર્ણાયક બની રહે છે.
તંદુરસ્ત જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. પ્રોટીન, વિટામિન, ખનીજ તત્વો ધરાવતો ખોરાક પોષણનો ઉત્તમ સ્રોત છે. શાકભાજી, ફણગાવેલાં કઠોળ અને દાળ તેમજ અનાજનો આહારમાં સમાવેશ કરવાથી બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ મળી રહે છે. બાળક તેને આપવામાં આવતો દરેક ખોરાક આરોગશે, જેના કારણે ખોરાકનો સ્વાદ પણ વિકાસ પામે છે. નાનું બાળક સ્વાદ અને રંગમાં સ્વાદિષ્ટ અને આકર્ષક હોય, તેવો ખોરાક ખાવાનું પસંદ કરશે.
માતાએ ઘરે બનાવેલી અને તાજી રાંધેલી રસોઇ ઉપરાંત તેના પોષણ મૂલ્ય પર ખાસ ભાર મૂકવો જોઇએ. હળદર જેવા ભારતીય ખાદ્ય પદાર્થો ઘા રૂઝાવવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તો, રાગી કે બાજરી જેવું અનાજ કેલ્શિયમ પૂરું પાડે છે. ફણગાવેલાં કઠોળ અને દાળમાંથી પ્રોટીન મળી રહે છે. ફળોમાંથી વિટામીન સી સહિતનાં વિવિધ પ્રકારનાં વિટામિન્સ મળી રહે છે. લોકોમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે, કુદરતી ખાદ્ય પદાર્થોની તુલનામાં પેકેટમાં મળતી ખાદ્ય ચીજોમાંથી બાળકોને વધુ પ્રોટીન મળી રહે છે. બાળકને દાળના પાણી, ચોખાના ઓસામણ, ચિપ્સ, બિસ્કીટ, પેકેટની ચીજો આપવાને બદલે ઇડલી, ઉપમા, દૂધમાં મિક્સ કરેલા પૌંઆ, શીરો, ફણગાવેલા કઠોળમાંથી બનાવેલા ઢોંસા વગેરે જેવી ચીજો આપવી જોઇએ.
પાંચેય પ્રકારના સ્વાદનું ધ્યાન રાખવું જોઇએ. બાળક ખોરાકના રંગ, સ્પર્શનો અનુભવ કરે, તે જરૂરી છે, તેને લોટ બાંધવા દો, તેનાથી પરિવારમાં સમાવિષ્ટ હોવાની લાગણી ઉદ્ભવે છે. દિમાગને ઇનપુટ્સ મળે, તે આવશ્યક છે.
DHA- તે એપ્રિકોટ (જરદાલુ), માછલીમાંથી મળી રહે છે.