નવી દિલ્હી :કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય વિદેશ પ્રધાન ડૉ. જયશંકર દ્વારા લેખિત જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં તેઓએ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. આ પ્રશ્નમાં છેલ્લા ત્રણ વર્ષ અને ચાલુ વર્ષ દરમિયાન તેમની નાગરિકતાનો ત્યાગ કરનારા ભારતીય નાગરિકોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું હતું.
135 દેશની યાદી : કેન્દ્ર સરકારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે. વર્ષ 2020 થી 2023 (જૂન) સુધીમાં 5,61,272 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. જેમાંથી 2020 માં 85,256 અને 2021 માં 1,63,370 સંખ્યા હતી. ઉપરાંત વર્ષ 2022 માં 2,25,620 અને જુન 2023 સુધીમાં 82,023 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. જયશંકરે 135 દેશોની યાદી પણ આપી છે જેમની નાગરિકતા ભારતીયોએ મેળવી છે.
આંકડાકીય માહિતી : વિદેશ પ્રધાન ડૉ. જયશંકર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, 2011 થી અત્યાર સુધીમાં 17 લાખ 50,466 ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. જેમાં અનુક્રમે 2011 માં 1,22,819, 2012 માં 1,20,923, 2013 માં 1,31,405, 2014 માં 1,29,328, 2015 માં 1,31,489, 2016 માં 1,41,603, 2017 માં 1,33,049, 2018 માં 1,34,561 અને 2019 માં 1,44,017 ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી છે.
છેલ્લા બે દાયકામાં વૈશ્વિક કાર્યસ્થળની શોધ કરનારા ભારતીય નાગરિકોની સંખ્યા નોંધપાત્ર રહી છે. તેમાંથી ઘણાએ વ્યક્તિગત સગવડના કારણોસર વિદેશી નાગરિકતા પસંદ કરી છે. સરકાર આ વાતથી વાકેફ છે. આ સંદર્ભે ભારત સરકારે મેક ઇન ઇન્ડિયા હેઠળ ઘણી યોજનાઓ પણ શરૂ કરી છે. જે અહીં રહેતા લોકોની પ્રતિભાનો ઉપયોગ કરશે.-- ડો. એસ જયશંકર (કેન્દ્રીય વિદેશ પ્રધાન)
USA પ્રથમ પસંદ :ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે ગૃહમાં સરકારના જવાબ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સ આ યાદીમાં ટોચ પર હતું. 2021 માં 78,284 ભારતીયોએ અમેરિકામાં સ્થાયી થવા માટે તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. 2019 અને 2020 માં અનુક્રમે 61,683 અને 30,828 લોકોએ ભારતીય નાગરિકતા છોડીને અમેરિકામાં સ્થાયી થયા હતા.
પસંદગીના દેશ : આ યાદીમાં બીજો દેશ ઓસ્ટ્રેલિયા હતો. જ્યાં 2021 માં 23,533 ભારતીયો તેમની ભારતીય નાગરિકતા છોડીને ત્યાં સ્થાયી થયા હતા. જ્યારે 2019 અને 2020 માં અનુક્રમે 21,340 અને 13,518 લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પછી કેનેડા લોકોની ત્રીજી પસંદગી હતી. 2021 માં કુલ 21,597 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી અને કેનેડામાં સ્થાયી થયા. 2019 માં 25, 381 અને 2020માં 17,093 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી અને કેનેડામાં સ્થાયી થયા.
- FIFA Women's World Cup 2023 : ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા પોતપોતાની મેચ જીતીને કરી સારી શરૂઆત
- Virat Kohli : કિંગ કોહલી આજે રમશે 500 મી આંતરરાષ્ટ્રીય મેચ, BCCIએ અભિનંદન પાઠવ્યા