નૂહ:હરિયાણાના નૂહ જિલ્લામાં સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની બ્રજ મંડળ યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચેની હિંસામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. હિંસાનો વિરોધ કરવા આજે હિન્દુ સંગઠનોએ માનેસરમાં પંચાયત બોલાવી છે. આ સાથે વિશ્વ હિન્દુ પરિષદે પણ પાણીપતમાં બંધનું એલાન આપ્યું છે. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હરિયાણાના 8 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. નૂહ, પલવલ, ફરીદાબાદ, રેવાડી, ગુરુગ્રામ, મહેન્દ્રગઢ, સોનીપત અને પાણીપત જિલ્લાનો સમાવેશ થાય છે. જો કે ગુરુગ્રામ સિવાય મંગળવારે મોટાભાગના વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય રહી હતી. હિંસા અંગે આગળના આદેશ સુધી નૂહ જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
બે પોલીસકર્મી અને ત્રણ સામાન્ય લોકોના મોત: હિંસામાં માર્યા ગયેલા પાંચ લોકોમાં બે પોલીસકર્મી અને ત્રણ સામાન્ય માણસોનો સમાવેશ થાય છે. સુરક્ષા જાળવવા માટે પોલીસની ટીમ ગુરુગ્રામથી નૂહ જઈ રહી હતી ત્યારે બે હોમગાર્ડના મોત થયા હતા. સોમવારે થયેલી હિંસા બાદ મંગળવારે ગુરુગ્રામમાં એક ઢાબામાં તોડફોડ કરવામાં આવી હતી.તે જ સમયે રેવાડીમાં કેટલાક અજાણ્યા લોકોએ એક ખાસ સમુદાયની ઝૂંપડપટ્ટીમાં આગ લગાવી દીધી હતી.
આર્થિક સહાયની જાહેરાત:ગુરુગ્રામ પોલીસે હિંસામાં માર્યા ગયેલા બે હોમગાર્ડ જવાનોના પરિવારોને 57 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સિવાય હિંસા ફેલાવવાના મામલે 44 FIR નોંધવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 70 લોકોની અટકાયત કરવામાં આવી છે. નૂહમાં હિંસા બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય કેન્દ્રએ અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓ હરિયાણા મોકલી છે. જેમાં CRPFના 4, RAFના 12, ITBPના બે અને BSFના 2 જવાનોનો સમાવેશ થાય છે.