- મધ્યપ્રદેશ એવું પ્રથમ રાજ્ય જ્યાં કન્યા પૂજન જરૂરી છે
- સીએમ શિવરાજસિંહે કન્યાઓના પગ ધોઈને કાર્યક્રમની કરી શરુઆત
- સરકારી કામની શરુઆત પહેલાં કન્યા પૂજન કરવામાં આવશે
ભોપાલ: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આજે હોશંગાબાદમાં સરકારી કાર્યક્રમની શરુઆત પહેલાં કન્યાઓનું પૂજન કર્યું હતું. હવે મધ્યપ્રદેશ દેશનું એવું પ્રથમ રાજ્ય બની ગયું છે જ્યાં સરકારી કામની શરુઆત પહેલાં કન્યા પૂજન કરવામાં આવશે.
મધ્યપ્રદેશે એ કરી બતાવ્યું છે, જે દેશના અન્ય કોઈ રાજ્ય પહેલાં કરી શક્યા નથી. મધ્યપ્રદેશ દેશનું પહેલું રાજ્ય બન્યું છે, જ્યાં સરકારી કામની શરૂઆત પહેલાં કન્યા પૂજાની શરૂઆત કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આમ કરવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ચાર મહિના પહેલા આ અંગેની જાહેરાત કરી હતી. આજે શિવરાજસિહે હોશંગાબાદ પહોંચી આ કામને સાર્થક કરી બતાવ્યું છે.
કન્યાઓના પગ ધોઈને શિવરાજસિંહે કરી કાર્યક્રમની શરૂઆત
આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ ઉપલબ્ધ થનારી નાણાકીય લાભનો આગામી હપ્તો ચૂકવવાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનું આયોજન હોશંગાબાદમાં કરવામાં આવ્યું હતું. જ્યાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં સ્ટેજ પર કન્યા પૂજા કરી હતી. આ પછી, ખેડૂતોને ભંડોળ ટ્રાન્સફર કરવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. શિવરાજસિંહે કન્યાઓના પગને સ્પર્શ કર્યો અને મધ્યપ્રદેશને દેશનું એવું પહેલું રાજ્ય બનાવ્યું, જ્યાં કોઈ પણ સરકારી કાર્યક્રમની શરૂઆત કન્યાઓના પૂજન કરીને કરવામાં આવશે.