લેહ: લદ્દાખના લેહ જિલ્લામાં શનિવારે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં JCO સહિત 9 જવાન શહીદ થયા હતા. તે જ સમયે આ અકસ્માતમાં એક જવાન ઘાયલ થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના શનિવારે સાંજે દક્ષિણ લદ્દાખના ન્યોમામાં ક્યારી પાસે થઈ હતી. આ દરમિયાન સેનાનું વાહન કારુ ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યું હતું. લદ્દાખના સંરક્ષણ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
વાહનચાલકે કાબૂ ગુમાવતા સર્જાઈ ઘટના: લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પીડી નિત્યાએ જણાવ્યું કે સેનાના વાહનમાં 10 સૈનિકો હતા અને આ વાહન લેહથી ન્યોમા તરફ જઈ રહ્યું હતું. તેમણે જણાવ્યું કે રસ્તામાં વાહન ચાલકે વાહન પરથી કાબુ ગુમાવી દીધો અને સાંજે 4.45 કલાકે વાહન ખાડામાં પડી ગયું. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલ સૈનિકોને આર્મી મેડિકલ યુનિટમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં આઠ જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બાદમાં અન્ય એક જવાનનું મોત થયું હતું.