અબુજાઃનાઈજીરિયાની નાઈજર નદીમાં એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 103 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં સવાર મોટાભાગના લોકો લગ્ન સમારોહમાં સામેલ થયેલા મહેમાન હતા. જેઓ ભારે વરસાદના કારણે માર્ગ બંધ થતાં ગામમાં અટવાયા હતા. સીએનએનએ એક સ્થાનિક ચીફને ટાંકીને જણાવ્યું કે બોટમાં લગભગ 300 લોકો સવાર હતા. ઝાડનું થડ અથડાયા બાદ અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનાનો સમય સોમવારે વહેલી સવારે જણાવવામાં આવી રહ્યો છે.
વરસાદને કારણે રસ્તો બંધ:આ અકસ્માત નાઈજીરિયાના ઉત્તર-મધ્ય ક્વારા રાજ્યના પતીગી જિલ્લાના કપડામાં થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી રસ્તો બંધ હોવાને કારણે લોકો મુસાફરી માટે બોટનો સહારો લઈ રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્ન સમારોહમાં ફસાયેલા કેટલાક મહેમાનો નાઈજર રાજ્યના એગબોટી ગામમાંથી નદી પાર કરી રહ્યા હતા. સૂત્રના જણાવ્યા અનુસાર જે બોટ ક્રેશ થઈ તે મોટી હતી. લગ્ન સમારોહ માટે આવેલા મહેમાનો સહિત ઓછામાં ઓછા 300 લોકો બોટમાં સવાર હતા. જેમાં વિવિધ સમાજના સ્ત્રી-પુરુષો જોડાયા હતા.
બોટ તૂટી પડીઃસોમવારે સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે જ્યારે તેઓ નીકળ્યા ત્યારે. બહાર નીકળ્યાના થોડા સમય બાદ બોટ પાણીમાં તણાઈ ગયેલા ઝાડ સાથે અથડાઈ હતી. આ અથડામણને કારણે બોટના બે ભાગ થઈ ગયા. પાણીના જોરદાર પ્રવાહને કારણે બોટમાં સવાર મુસાફરો પણ વહેવા લાગ્યા હતા. ગામના લોકોનું કહેવું છે કે બોટમાં સવાર લોકોમાં માત્ર 53 લોકોને જ બચાવી શકાયા. આ સિવાય 103 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને બાકીના લાપતા છે.
ટીમ મોકલવામાં આવી:CNN સાથે વાત કરતા, કવારામાં પોલીસ કમાન્ડના પ્રવક્તા અજય ઓકાસનમીએ જણાવ્યું હતું કે ઘટનાનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમ સ્થળ પર મોકલવામાં આવી છે. પોલીસે દાવો કર્યો છે કે લગભગ 100 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. કવારા રાજ્ય સરકારે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સરકારના પ્રવક્તા રફીયુ અઝકયેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ બચી ગયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. આ પહેલા મે મહિનામાં નાઈજીરીયાના સોકોટોમાં બોટ પલટી જતા ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા.
- Cyclone Biparjoy: જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 78 જવાનો દ્વારકા રવાના, એક્શનમોડમાં સૈન્ય
- Cyclone Biparjoy: MLA ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયા એક્શનમાં, રાહતકાર્ય માટે સમીક્ષા બેઠક કરી