જોધપુર/જયપુરઃ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ ખટાશનું મૂળકારણ ખાલીસ્તાની ચળવળ અને તેના સમર્થકો છે. ભારતમાં ખાલીસ્તાની ચળવળને ડામવા માટે વિવિધ એજન્સી અને પોલીસ સક્રિય છે. NIAએ ખાલીસ્તાની સમર્થકોને શોધવા માટે રાજસ્થાન સુધી તપાસ લંબાવી છે. રાજસ્થાનના 13 જિલ્લાઓમાં NIA રેડ કરીને સપાટો બોલાવ્યો છે.
રેડની કાર્યવાહી આખી રાત ચાલીઃગઈકાલ રાતથી જ NIA દ્વારા રાજસ્થાનમાં અનેક સ્થળો પર રેડ કરવામાં આવી છે. જેમાં રાજસ્થાન રાજ્યના હનુમાનગઢ, શ્રીગંગાનગર, ઝુંઝનુ, જોધપુર જેવા જિલ્લાઓ પણ સામેલ છે. ઘણા ઠેકાણે તો રેડની કાર્યવાહી આખી રાત ચાલી હતી.
ખાલીસ્તાની સંપર્ક રાજસ્થાનમાંઃએક વિદ્યાર્થી નેતાના ઘરે પણ NIA દ્વારા રેડ કરવામાં આવી છે. આ વિદ્યાર્થી નેતાની આખી રાત પુછપરછ કરવામાં આવી છે. આ રેડ વિશે સ્થાનિક પોલીસે કશું પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. NIA દ્વારા પણ કોઈ આધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે NIA દ્વારા જોધપુર ગ્રામીણ પોલીસની મદદ લેવામાં આવી હતી. NIAને ખાલીસ્તાની સમર્થકોના સંપર્ક રાજસ્થાન રાજ્યમાં હોવાની માહિતી મળી હતી. આ માહિતીને આધારે NIA દ્વારા રાજસ્થાનના 13 જિલ્લાઓમાં રેડ કરવામાં આવી.
NIAએ જાહેર કરી યાદીઃતાજેતરમાં NIA દ્વારા ખાલીસ્તાની ચળવળ સાથે સંકળાયેલા આતંકવાદીઓ અને ગેંગસ્ટર્સની લાંબી યાદી જાહેર કરવામાં આવી હતી. NIA દ્વારા આ યાદીમાં સામેલ વ્યક્તિઓ અંગેની કોઈપણ જાણકારી જેવી કે સંપત્તિ, બિઝનેસ, પાર્ટનર્સ વગેરે એજન્સીને પહોંચાડવા નાગરિકોને અપીલ કરી હતી. ત્યારબાદ કેટલાક લોકોની સંપત્તિ જપ્ત પણ કરવામાં આવી હતી. હજુ પણ ખાલીસ્તાની સમર્થકો પર NIA કાર્યવાહી કરી સંપત્તિ જપ્ત કરી લે તેવી સંભાવના છે.
સંપત્તિ જપ્ત કરવા રેડઃ પંજાબથી શરૂ થયેલા ખાલીસ્તાની ચળવળ અત્યારે કેનેડામાં પોતાનો પગપેસારો કરી ચૂકી છે. ખાલીસ્તાની ચળવળને કેનેડામાંથી ફંડિંગ અને વૈચારિક સમર્થન મળી રહ્યું છે. ખાલીસ્તાની ચળવળને પરિણામે જ ભારત અને કેનેડાના સંબંધોમાં ખટાશ આવી છે. NIAને માહિતી મળી છે કે ભારતના અનેક ગેંગસ્ટર્સ ખાલીસ્તાની ચળવળ સાથે સંકળાયેલા છે. તેથી એજન્સીએ આ ભારતમાં રહેતા ગેંગસ્ટર્સને જબ્બે કરવા અભિયાન હાથ ધર્યુ છે. રાજસ્થાનમાં રેડ કરીને NIA આ ખાલીસ્તાની સમર્થકોને આર્થિક વ્યવસ્થા તોડી નાંખવા માંગે છે.
મૂળ તપાસ લોરેન્સ બિશ્નોઈનીઃ જોધપુરના પીપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં NIAએ રેડ કરીને કોસની નિવાસી સુરજીત બિશ્નોઈ યુવકની પુછપરછ કરી છે. NIA સુરજીતને 3 ઓક્ટરોબરે દિલ્હીમાં હાજર થવા આદેશ પણ કર્યો છે. સુરજીતના બેન્ક એકાઉન્ટમાં વિદેશી ફંડિંગની માહિતી મળી છે. NIA ખરેખર લોરેન્સ બિશ્નોઈની તપાસ કરી રહી છે. આ તપાસમાં રાજસ્થાનના યુવકનું નામ સામે આવ્યું છે. લોરેન્સ બિશ્નોઈ દ્વારા આ યુવકને ફંડિંગ મોકલવામાં આવ્યું હોવાની પણ શંકા છે. ભૂતકાળમાં લોરેન્સ બિશ્નોઈની તપાસમાં વિદેશથી હથિયારો મંગાવવાની ઘટના સામે આવી હતી. આ મામલે પણ એક રાજસ્થાની યુવકનું કનેક્શન સામે આવ્યું હતું. આ યુવક અરવિંદ બિશ્નોઈને NIA દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.
- NIA Raid In Many Status : NIA એ દેશના અનેક રાજ્યમાં દરોડા પાડ્યા
- આસામમાં NIAએ માઓવાદીઓ સાથે સંબંધ ધરાવતા દંપતીની કરી ધરપકડ