નવી દિલ્હી:વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' (I.N.D.I.A.)ની આગામી 19 ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીમાં મળનારી બેઠકમાં 'કોર પોઝિટિવ એજન્ડા', સીટ વિતરણ અને સંયુક્ત રેલીઓનું આયોજન કરવાના કાર્યક્રમ અંગે ચર્ચા થવાની સંભાવના છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે રવિવારે 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન 'I.N.D.I.A'ના નેતાઓની ચોથી બેઠક મંગળવાર, 19 ડિસેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં બપોરે 3 વાગ્યે યોજાશે.'
તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં આ બેઠક યોજાશે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) કહે છે કે લોકોએ 'મોદીની ગેરંટી'માં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને લોકો 2024માં તેમની સરકારને ફરીથી પસંદ કરશે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીઓ એકતા જાળવીને 'મૈં નહીં, હમ' ના નારા સાથે આગળ વધવાનો ઇરાદો ધરાવે છે.