- લોકડાઉન સમાધાન નથી અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ
- મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવાની તરફેણમાં નથી NCP
- મહારાષ્ટ્રમાં કોરોનાના 31 હજારથી વધુ કેસો
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે અધિકારીઓને લોકડાઉનનો અમલ કરવાની યોજના તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. જો કે, મહારાષ્ટ્ર સરકારની ભાગીદાર પાર્ટી NCP લોકડાઉન લાદવાની તરફેણમાં નથી.
લોકડાઉન સમાધાન નથી અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ
NCP નેતા તેમજ પ્રધાન નવાબ મલિકનું કહેવું છે કે, અમે લોકડાઉન ન લગાવી શકીએ, અમે મુખ્યપ્રધાનને અન્ય વિકલ્પો પર વિચાર કરવા કહ્યું છે. તેઓએ કહ્યું છે કે, કોરોનાના વધતા કેસોને કારણે તેઓએ પ્રશાસનને લોકડાઉન માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે પરંતુ લોકો જો નિયમોનું પાલન કરે તો આનાથી બચી શકાય છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી લાગુ થઇ શકે છે લોકડાઉન
લોકડાઉન સમાધાન નથી: ભાજપ
મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે સોમવારે કહ્યું હતું કે, લોકડાઉન કરવાથી કોરોના સંક્રમણની સમસ્યા હલ થશે નહીં. પુણેના પોલીસ કમિશ્નર અમિતાભ ગુપ્તાને મળ્યા બાદ પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે, ફક્ત ભાજપ જ નહીં, અસંગઠિત ક્ષેત્રના તમામ ઉદ્યોગપતિઓ અને કામદારો પણ લોકડાઉનનો વિરોધ કરશે. પાટીલે કહ્યું કે, રાત્રિ કર્ફ્યુ અંગે કોઈ વાંધો નથી, પરંતુ પ્રવૃત્તિઓ દિવસ દરમિયાન ચાલુ રહેવી જોઇએ.
મહારાષ્ટ્રમાં કોરોનાના 31 હજારથી વધુ કેસો
સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 31,643 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાને કારણે 102 લોકોનાં મોત થયાં છે.