હૈદરાબાદ : સમગ્ર દેશમાં દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે તેમની ફિલોસોફી અને જીવનશૈલીથી વિશ્વભરમાં પોતાનો વારસો છોડ્યો છે.
રાષ્ટ્રીય યુવા દિવસનો ઇતિહાસ
વર્ષ 1984 માં ભારત સરકાર દ્વારા સ્વપ્નદ્રષ્ટા નેતા સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. સ્વામી વિવેકાનંદે માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમાજ અને રાષ્ટ્રની સુધારણા તથા વિકાસ માટે યુવા ઊર્જાને વહન કરવાના મહત્વ પર ભાર મૂકતા વિવેકાનંદના ઉપદેશો સતત ગુંજતા રહ્યા છે.
વિવેકાનંદનો પરિવાર
સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863 ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતા વિશ્વનાથ દત્તા હાઈકોર્ટના લોકપ્રિય વકીલ હતા. વિશ્વનાથ દત્તાએ તેમના પુત્રનું નામ નરેન્દ્ર રાખ્યું હતું અને પોતાનો પુત્ર અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરીને એક મહાન માણસ બને તેવું સપનું સેવ્યું હતું.
સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક સફર
12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતામાં નરેન્દ્રનાથ દત્તા તરીકે જન્મેલા સ્વામી વિવેકાનંદ પાસે તેમની યુવાની દરમિયાન સંગીત, જિમ્નેસ્ટિક્સ અને શિક્ષણશાસ્ત્રમાં અસાધારણ કુશળતા હતી. તેમની આધ્યાત્મિક યાત્રા વર્ષ 1881 માં એક આદરણીય આધ્યાત્મિક ગુરુ રામકૃષ્ણને મળ્યા પછી શરૂ થઈ હતી. સ્વામી વિવેકાનંદે તરત જ રામકૃષ્ણને પ્રશ્ન કર્યો કે, શું તેમણે ક્યારેય ભગવાનને જોયા છે ? એક ક્ષણના ખચકાટ વિના રામકૃષ્ણએ જવાબ આપ્યો "હા, મેં ઈશ્વરને જોયા છે. જે રીતે હું તમને જોઉં છું તેટલા સ્પષ્ટપણે ઈશ્વરને જોયા છે." આ મુલાકાતની ઊંડી અસરે એક અનન્ય ગુરુ-શિષ્ય સંબંધની શરૂઆત કરી હતી. જે બાદમાં વિવેકાનંદને આધ્યાત્મિક કાર્યો માટે સમર્પિત જીવન તરફ દોરી ગઈ.
વિવેકાનંદનું વિશ્વ પ્રસિદ્ધ શિકાગો ભાષણ
11 સપ્ટેમ્બર, 1893 ના રોજ શિકાગોમાં વિશ્વની સર્વ ધર્મ સંસદમાં તેમના પ્રતિષ્ઠિત ભાષણ બાદ વિવેકાનંદના જીવનમાં વળાંક આવ્યો હતો. "અમેરિકાના બહેનો અને ભાઈઓ" ના સંબોધન સાથે શરૂ કરલા ભાષણમાં તેમણે હિંદુ ધર્મ અને ભારતીય ધર્મનો પરિચય કરાવ્યો હતો. આધ્યાત્મિકતા, સાર્વત્રિકતા, સહિષ્ણુતા અને હિંદુ ધર્મના આધ્યાત્મિક સાર અંગેના તેમના સંદેશે વૈશ્વિક આંતરધર્મ સંવાદને ઉત્તેજન આપતા પશ્ચિમી વિશ્વ પર અમીટ છાપ છોડી દીધી.
સ્વામી વિવેકાનંદના પ્રસિદ્ધ શિકાગો ભાષણના અંશ
- મને ગર્વ છે કે હું એક એવા ધર્મ સાથે સંબંધ ધરાવું છું, જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વત્રિક સ્વીકૃતિ બંને શીખવ્યા છે.
- અમે માત્ર સાર્વત્રિક સહિષ્ણુતામાં જ માનતા નથી, પરંતુ તમામ ધર્મોને સાચા રુપમાં સ્વીકારીએ છીએ.
- હું આસ્થાપૂર્વક આશા રાખું છું કે આ સંમેલનના સન્માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યો છે તે તમામ કટ્ટરતા, તલવાર અથવા કલમ વડે થતા તમામ અત્યાચારો અને સમાન ધ્યેય તરફ આગળ વધતી વ્યક્તિઓ વચ્ચેની તમામ અવિચારી લાગણીઓની મૃત્યુની ઘંટડી બની શકે છે.
- ખ્રિસ્તીએ હિંદુ કે બૌદ્ધ બનવાનું નથી અથવા હિંદુ કે બૌદ્ધે ખ્રિસ્તી બનવાનું નથી. પરંતુ દરેકે એકબીજાની ભાવનાને આત્મસાત કરવી જોઈએ અને તેમ છતાં તેના વ્યક્તિત્વને જાળવવું જોઈએ અને તેના પોતાના વિકાસના નિયમ અનુસાર વિકાસ કરવો જોઈએ.
- વિવિધ સ્થળોએ તેમના સ્ત્રોતો ધરાવતા જુદા જુદા પ્રવાહો સમુદ્રમાં તેમના પાણીને ભેળવી દે છે.
- ચાલો આપણે આદર્શનો પ્રચાર કરીએ અને આપણે બિનજરૂરી બાબતો પર ઝઘડો ન કરીએ.