- અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિની શંકાસ્પદ સ્થિતિમાં થયેલી મોતનો મામલો
- ઉત્તરપ્રદેશ પોલીસે મહંત નરેન્દ્રગિરિના શિષ્ય આનંદગિરિની દોઢ કલાક પૂછપરછ કરી
- ઉત્તરપ્રદેશ પોલીસ આનંદગિરિની ધરપકડ કરી તેને સાથે લઈ ગઈ હતી
હરિદ્વારઃ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિની શંકાસ્પદ સ્થિતિમાં મોતના મામલામાં લગભગ દોઢ કલાકની પૂછપરછ પછી તેમના શિષ્ય આનંદગિરિની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. ઉત્તરપ્રદેશ પોલીસ મોડી રાત્રે તેમના આશ્રમે પહોંચી હતી. ઉત્તરપ્રદેશ પોલીસ અને SOGની ટીમે આનંદગિરિની લગભગ દોઢ કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ ઉત્તરપ્રદેશ પોલીસ આનંદગિરિની ધરપકડ કરી તેને સાથે લઈ ગઈ હતી.
આ પણ વાંચો-અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું રહસ્યમય સંજોગોમાં મોત, આશ્રમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ
આશ્રમના રૂમમાંથી નરેન્દ્રગિરિનો મૃતદેહ મળ્યો હતો
સોમવારે મહંત નરેન્દ્રગિરિનો મૃતદેહ વાઘંબરી મઠ આશ્રમના રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. તેવામાં શિષ્યોએ દરવાજો તોડીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. સાથે જ મહંત નરેન્દ્રગિરિના રૂમથી પોલીસને 6-7 પાનાની એક સ્યુસાઈડ નોટ પણ મળી છે, જેમાં માનસિક રીતે હેરાન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ નોટમાં મહંત નરેન્દ્રગિરિના શિષ્ય આનંદગિરિ પર તેમને હેરાન કરવાનો પણ આરોપ છે. સ્યુસાઈડ નોટના આધારે પોલીસે હનુમાન મંદિરના મુખ્ય પૂજારી આધ્યા તિવારી અને તેના પૂત્રને કસ્ટડીમાં લીધા છે.
આ પણ વાંચો-છત્તીસગઢના પૂર્વ પ્રધાન રજિંદરપાલ સિંહ ભાટિયાએ કરી આત્મહત્યા
શિષ્ય આનંદગિરિની ધરપકડ
તો આ સમગ્ર મામલામાં મહંત નરેન્દ્રગિરિના શિષ્ય આનંદગિરિ પર પણ શંકા છે. સોમવારે સાંજે જ ઉત્તરાખંડ પોલીસ તેના કાંગડી ગાજિવાલીમાં આવેલા આશ્રમમાં પહોંચી હતી અને તેને હાઉસ અરેસ્ટ કરી રાખ્યો હતો. તો રાત્રે સાડા 10 વાગ્યે ઉત્તરપ્રદેશ પોલીસની સહારનપુર SOGની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી અને બંધ રૂમમાં પૂછપરછ પછી આનંદગિરિની ધરપકડ કરી તેને સાથે લઈ ગઈ હતી. હરિદ્વારના SP સિટી કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશની પોલીસ આનંદગિરિને લઈને જતી રહી છે. કારણ કે, આ મામલો ઉત્તરપ્રદેશ સાથે જોડાયેલો છે.
આનંદગિરિએ ગણાવ્યું ષડયંત્રઃઆ મામલામાં હરિદ્વારથી આનંદગિરિનું નિવેદન આવ્યું છે. તેમણે તેમની પર લાગેલા આક્ષેપોનો જવાબ આપ્યો છે. આ સાથે જ તેમણે આને ષડયંત્ર ગણાવ્યું છે. હરિદ્વારના ગાજીવાલીમાં આવેલા આશ્રમમાં આનંદગિરિએ કહ્યું હતું કે, મહંત નરેન્દ્રગિરિના મોતના સમાચારથી તેઓ ઘણા પરેશાન છે. ગુરુ નરેન્દ્રગિરિ આત્મહત્યા ન કરી શકે. આ કોઈકનું ષડયંત્ર છે. આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આનંદગિરિએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, નરેન્દ્રગિરિને મારીને તેમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે રાજ્ય સરકારને હાથ જોડીને નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે, જેથી સત્ય સામે આવી શકે.