- પશ્ચિમ બંગાળના ચર્ચિત નારદા કેસની આજે સુનાવણી
- CBIએ કોલકાતા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો
- TMCના ચાર આરોપી નેતાઓને નજરકેદમાં રાખવાની પરવાનગી હતી
કોલકાતાઃ કોલકાતા હાઈકોર્ટમાં 5 ન્યાયાધીશોની બેન્ચ આજે એટલે કે ગુરુવારે સવારે 11 વાગ્યે નારદા કેસની સુનાવણી કરશે. આ પહેલા 24 મેએ કેન્દ્રિય તપાસ એજન્સી CBIએ કોલકાતા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં તૃણમૂલ કોંગ્રેસના ચાર આરોપી નેતાઓને ઘરમાં નજરકેદ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સાથે સાથે CBIએ સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરેલી અરજીમાં મામલાની સુનાવણીને રદ કરવાની પણ માગ કરી હતી
આ પણ વાંચો-હાઇકોર્ટે ફાયરસેફ્ટી મામલે AMCની ઝાટકણી કાઢી, કહ્યું- કોર્ટ આદેશ કરે ત્યારે જ પગલાં લેવાઈ છે
હાઈકોર્ટની બેન્ચે મામલાને ઉચ્ચ બેન્ચ પાસે મોકલવાનો નિર્ણય કર્યો હતો
આપને જણાવી દઈએ કે, કોલકાતા હાઈકોર્ટે 21 મેએ પોતાના આદેશમાં નારદ મામલાના આરોપી 2 વર્તમાન પ્રધાનો સહિત 4 TMC નેતાઓને જામીન આપવા અને ઘરમાં નજરકેદ રાખવાની પરવાનગી આપી હતી. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલની અધ્યક્ષતાવાળી બેન્ચમાં CBIની વિશેષ કોર્ટ દ્વારા પ્રધાન સુબ્રત મુખર્જી અને ફરહાદ હકીમ, તૃણમૂલ કોંગ્રેસ ધારાસભ્ય મદન મિત્રા અને કોલકાતાના પૂર્વ મેયર સોવન ચેટરજીને આપવામાં આવેલી જામીન પર પ્રતિબંધ લગાવવાને લઈને મતભેદ હતો. આ બેન્ચે મામલાને ઉચ્ચ બેન્ચ પાસે મોકલવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો-CBSEના વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવા CJIને લખ્યો પત્ર
વર્ષ 2014માં કરેલા સ્ટિંગ ઓપરેશનમાં પ્રધાનો લાંચ લેતા જોવા મળ્યા હતા
આ માટે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશે 5 ન્યાયાધીશોની એક બેન્ચ બનાવી હતી, જેમાં તેઓ પોતે, ન્યાયાધીશ આઈ. પી. મુખર્જી, ન્યાયાધીશ હરિશ ટંડન, ન્યાયાધીશ સૌમેન એન અને ન્યાયાધીશ અરિજિત બેનર્જી શામેલ હતા. જ્યારે આ પહેલા બેન્ચે 17 મેએ પોતાના પહેલાના આદેશને સંશોધિત કરી નિર્દેશ આપ્યો હતો કે, આરોપીઓની ઉંમર અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખતા જેલમાં કસ્ટડી સિવાય તમામ આરોપીઓને તેમના ઘરે જ નજરકેદ રાખવામાં આવી શકે છે. મહત્વનું છે કે, નારદ ટીવી ન્યૂઝ ચેનલના મેથ્યુ સેમ્યુઅલે વર્ષ 2014માં કથિત સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રધાન, સાંસદ અને ધારાસભ્ય લાભના બદલામાં કંપનીઓના પ્રતિનિધિઓ પાસેથી કથિત રીતે લાંચ લેતા નજર પડ્યા હતા. તે સમયે ચારેય નેતા મમતા બેનરજીની સરકારમાં પ્રધાન હતા.