નાગાલેન્ડ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણી 2023ને લઈને શુક્રવારે નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે છે. સૌથી પહેલા વડાપ્રધાન મોદી નાગાલેન્ડના દીમાપુર પહોંચ્યા, જ્યાં તેમણે એક વિશાળ રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, આજથી પહેલા દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓએ ક્યારેય નાગાલેન્ડ તરફ જોયું નથી અને રાજ્યમાં સ્થિરતા અને સમૃદ્ધિને ક્યારેય મહત્વ આપ્યું નથી.
દિલ્હીથી દીમાપુર સુધી કોંગ્રેસે પરિવારવાદની રાજનીતિ કરી છે : PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા દિલ્હીથી રિમોટ કંટ્રોલથી નાગાલેન્ડ સરકાર ચલાવતી હતી. PM મોદીએ કહ્યું કે, દિલ્હીથી દીમાપુર સુધી કોંગ્રેસે પરિવારવાદની રાજનીતિ કરી છે. ભાજપ સરકારની યોજનાઓ અને કામોનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે આજે કેન્દ્ર સરકાર નાગાલેન્ડમાં હજારો પરિવારોને મફત રાશન આપી રહી છે. અમે કોંગ્રેસની જેમ પૂર્વોત્તરના 8 રાજ્યોનો ATM તરીકે ઉપયોગ કરતા નથી. અમારા માટે ઉત્તર પૂર્વના 8 રાજ્યો 'અષ્ટ લક્ષ્મી' જેવા છે. PM મોદીએ કહ્યું કે, નાગાલેન્ડના લોકોનો ભાજપમાં વિશ્વાસ વધી રહ્યો છે.