ચેન્નાઈ: રાજકારણ ભાગ્યે જ આશ્ચર્ય આપે છે, ખાસ કરીને દ્રવિડિયન પ્રદેશમાં. વર્ષ 1967માં જ્યારે કૉંગ્રેસને સત્તા બહાર કરી દેવાઈ હતી ત્યારથી રાજ્યમાં કાં તો ડીએમકેનું શાસન રહ્યું છે, અથવા તો એઆઈએડીએમકેનું. દાયકાઓ સુધી, રાષ્ટ્રીય રાજકારણની જગ્યા માત્ર હાંસિયામાં જ રહી છે અને દરેક ચૂંટણી, પછી તે લોકસભાની હોય કે રાજ્યની વિધાનસભા, તે આ વાતની સાક્ષી પૂરે છે. હવે, એઆઈએડીએમકેનાં સર્વેસર્વા જયલલિતા અને તેમના કટ્ટર હરીફ કરુણાનિધિનાં અવસાન પછી જે લોકો આ જગ્યામાં પ્રવેશવા માગે છે તેમનું માનીતું સૂત્ર 'રાજકીય શૂન્યાવકાશ' બની ગયું છે.
પહેલાં તે રજનીકાંત હતા જેમણે આ રાજકીય શૂન્યાવકાશનું સૂત્ર પોકાર્યું. તે પછી કમલ હસન આવ્યા જેમણે મસીહા તરીકે પોતાને ચિતર્યા. કેસરિયા ટોળી દ્રવિડ વિચારધારા અને વારસામાં માનતી નથી પરંતુ તે પણ આ અશાંત પાણીમાં પ્રયાસ કરી માછલી પકડવા મથી રહી છે. શું તેઓ કોઈ સફળતા મેળવી શક્યા છે?
વાસ્તવમાં, દ્રવિડિયન રાજકીય પરિયોજના જીવંત છે અને જોરદાર ચાલી રહી છે. બે નેતાઓની અનુપસ્થિતિમાં ન તો ડીએમકે, ન તો એઆઈએડીએમકે, નિષ્ક્રિય બની ગયાં છે કે પૂરપાટ દોડતા આ રાજ્યમાં તેમની પ્રાસંગિકતા ગુમાવી બેઠા છે. એ સ્વીકારવું પડશે કે બંને કોઈ સુપરહીરો જેવા હતા જેમણે રાજકીય પરિદૃશ્ય પર વર્ચસ્વ રાખ્યું અને રાજકીય પક્ષોને તેમનો પગ જમાવવા દીધો નહીં. જોકે દ્રવિડિયન આધિપત્યથી છવાયેલા આ પરિદૃશ્યને પડકારનાર માટે, આ બંને મહાનુભાવોના અવસાન પછી પરિસ્થિતિ કંઈ ખાસ બદલાઈ નથી. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ખરાખરીનો ખેલ હતી જેણે રાષ્ટ્રીય વલણને ફગાવી દીધું અને તમિલનાડુ ડીએમકે સાથે ઊભું રહ્યું. તમિલનાડુ 'મોદીના જાદુ' દ્વારા ખેંચાઈ ગયું નહીં.
વિધાનસભા ચૂંટણીમાં સત્તા જાળવી રાખ્યાના થોડા મહિનાઓ બાદ જયલલિતાનું નિધન ડિસેમ્બર ૨૦૧૬માં થયું, જ્યારે કરુણાનિધિનું નિધન ઑગસ્ટ ૨૦૧૮માં થયું. આ રીતે, આ પહેલી વિધાનસભા ચૂંટણી હશે જે તેમની અનુપસ્થિતિમાં લડાશે. જોકે સ્ટાલિને ડીએમકેનું સુકાન સંભાળી લીધું હતું અને વર્ષ ૨૦૧૬માં ઝુંબેશ પોતાના ખભે ઉપાડી લીધી હતી, પરંતુ લોકસભાની ચૂંટણી તેમના માટે એસિડ કસોટી હતી.
જ્યારે પરિણામો જાહેર થયાં ત્યારે સ્ટાલિન લાગણીથી છલોછલ થઈ ગયા અને તેમણે જ્યારે અન્ના અરિવલયમ, પક્ષના વડા મથકેથી માધ્યમોને સંબોધિત કર્યાં ત્યારે તેમના આંખમાંથી આસું વહી રહ્યાં હતાં. રાજકીય ક્ષિતિજ પર એક નેતાનો જન્મ થયો હતો અને મોદી વિરોધી અભિયાનનો એકત્ર થવાનો મુદ્દો બન્યો હતો. તેમના ગઠબંધને સમૃદ્ધ પાક લણ્યો હતો. તેમના નેતૃત્વમાં સેક્યુલર ગઠબંધને રાજ્યમાં સાવરણો ફેરવી દીધો હતો અને એઆઈએડીએમકે તેમજ ભાજપને ભારે ઈજા પહોંચાડી હતી. લોકસભાની ૩૯ બેઠકો પૈકી, ડીએમકેના નેતૃત્વવાળી યુતિને ૩૮ બેઠકો મળી હતી.
તેમણે પક્ષના સંગઠનને અસરકારક રીતે પોતાના નેજા હેઠળ લાવ્યું હતું અને કરુણાનીતિની રાજકીય સંપત્તિના અન્ય વારસદારોને હાંસિયામાં ધકેલી દીધા હતા, જેનો યશ તેમને જ મળવો જોઈએ. પક્ષના વડા તરીકે તેમના અભિષેક પહેલાં, જ્યારે કરુણાનિધિ જીવતા હતા ત્યારે જ તેમના મોટા ભાઈ એમ. કે. અલાગિરીને હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યાર પછી અલાગિરી કે જેમને પક્ષના દક્ષિણના મજબૂત માણસ તરીકે જોવામાં આવતા હતા તે રાજકીય વનવાસમાં ચાલ્યા ગયા અને તેમનું રાજકીય પુનર્વસન બહુ ઉજળું દેખાતું નથી. સ્પષ્ટ વક્તા કનિમોઝીને અગ્રણી નેતા તરીકે રાખવામાં આવ્યાં છે પરંતુ તેમને પૂરતી મોકળાશ આપવામાં આવી નથી.
શાસન વિરોધી જુવાળ અને શાસક એઆઈએડીએમકે ભાજપ સાથે ટીમ બનાવી રહી હોવાની બાબત ડીએમકેની તરફેણમાં જઈ રહી છે તેથી સ્ટાલિનને મોટો ફાયદો છે જે તેમણે ગુમાવવો જોઈએ નહીં.