- મુકેશ અંબાણીના ઘર બહાર બે શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા
- ટેક્સી ડ્રાઈવરે પોલીસને ફોન કરીને આ અંગે માહિતી આપી હતી
- પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવરની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી
મુંબઈ, મહારાષ્ટ્ર : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની (Antilia) બહાર બે શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા હતા, આથી ટેક્સી ડ્રાઈવરના ફોન બાદ પોલીસ વિભાગ સક્રિય થયું છે. મુંબઈ પોલીસને ફોન કરીને એક ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું હતું કે, બે લોકો એન્ટિલિયા વિશે પૂછપરછ કરી રહ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
એન્ટિલિયાનું લોકેશન પૂછી રહ્યા હતા
મુંબઈ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવા અંગે માહિતી આપવામાં આવી હતી કે, પોલીસ કંટ્રોલને એક ટેક્સી ડ્રાઈવરનો ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે, બે લોકો તેને એન્ટિલિયાનું લોકેશન પૂછી રહ્યા હતા. બન્નેના હાથમાં બેગ હતી. કોઈ ગંભીર ખતરાની આશંકાથી, ટેક્સી ડ્રાઈવરે તરત જ મુંબઈ પોલીસને આ બાબતની જાણ કરી હતી. આ માહિતી બાદ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. આ સાથે જ સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે.