- મુખ્તાર અંસારી સાથે ઉત્તરપ્રદેશ પોલીસ બાંદા પહોંચી
- મુખ્તાર અંસારીને પંજાબની રોપર જેલમાંથી ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં ખસેડવામાં આવ્યો
- સુપ્રીમ કોર્ટના આદેશથી તેમને બાંદા જેલમાં ખસેડવામાં આવ્યા
લખનઉ (ઉત્તર પ્રદેશ) : ધારાસભ્ય મુખ્તાર અંસારી સાથે ઉત્તરપ્રદેશ પોલીસ બાંદા પહોંચી છે. ઉત્તર પ્રદેશ પોલીસનો કાફલો બુધવારે વહેલી સવારે બાંદા પહોંચ્યો હતો અને લાંબી તકરાર બાદ આખરે બસપાના ધારાસભ્ય મુખ્તાર અંસારીને પંજાબની રોપર જેલમાંથી ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસની ટીમ મુખ્તાર અંસારી સાથે બુધવારે સવારે 4 વાગીને 34 મિનિટેે બાંદા પહોંચી
પોલીસની ટીમ કડક સુરક્ષા હેઠળ મુખ્તાર અંસારી સાથે બુધવારે સવારે 4 વાગીને 34 મિનિટેે બાંદા પહોંચી હતી. જેલની અંદર એક એમ્બ્યુલન્સ અને ગાડી ઘૂસી હતી. તબીબી તપાસ પછી મુખ્તાર અંસારીને જેલની અંદર લઈ જવામાં આવશે. ચાર ડોક્ટરોની ટીમ મુખ્તાર અંસારીની તપાસ કરશે.
બાંદા જેલના મુખ્ય દરવાજા પર અડધી રાત્રે CCTV કેમેરા લગાવવામાં આવ્યા
મુખ્તાર બાંદા પહોંચવાની પહેલા અડધી રાતે પોલીસ જેલની સુરક્ષાને મજબૂત બનાવવામાં વ્યસ્ત હતી. બાંદા જેલના મુખ્ય દરવાજા પર અડધી રાત્રે CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ સાથે જ એક પ્લાટૂન PSC પણ જેલ પહોંચી. જેલની બહાર ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મોડીરાત્રે જેલમાં 40 પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતા. મુખ્તારની બૈરિકની દિવાલોમાં CCTV લગાવવાની માહિતી પણ મળી રહી છે.