- અંબાણીના નિવાસસ્થાન બહાર કારમાં 20 જિલેટીન સડીઓ મળતા દોડધામ
- શંકાસ્પદ કારની માહિતી મળતાં ડોગ સ્ક્વૉડની ટીમ પહોંચી
- નિવાસસ્થાનની બહાર ઉભેલી એસયુવીની અંદર નંબર પ્લેટો મળી આવી
મુંબઈ: દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કાર અને 20 જિલેટીન સડીઓ મળી આવી છે. મુંબઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. શંકાસ્પદ કાર વિશે માહિતી મળ્યા બાદ મુંબઇ ડોગ સ્ક્વૉડ અને બૉમ્બ પ્રિવેન્શન સ્કવૉડ ઉપરાંત ATSની ટીમ પણ પહોંચી ગઈ હતી. હાલ ATS આતંકવાદી એંગલની તપાસ કરી રહી છે.
કાર મળતાં સુરક્ષા જવાનોએ પોલીસને જાણ કરી
મુકેશ અંબાણીના ઘરની બહાર 20 જીલેટીન સડીઓવાળી એક શંકાસ્પદ એસયુવી કાર મળી આવી છે. સ્કોર્પિયોની એસયુવી ગુરુવારે મુંબઇના પેડર રોડ પર અંબાણીના નિવાસસ્થાન, એન્ટિલિયા નજીક મળી આવી હતી. શંકાસ્પદ કાર મળ્યા બાદ અંબાણીના ઘરના સુરક્ષા જવાનોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ અનેક પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કારની તપાસ શરૂ કરી હતી. મુંબઈ ડોગ સ્કવૉડ અને બૉમ્બ પ્રિવેન્શન સ્કવૉડ ઘટના સ્થળે પહોંચી હતી અને કારની તપાસ શરૂ કરી હતી.
મુંબઇ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી
એન્ટિલિયા નજીકથી મળી આવેલી એસયુવીની અંદર કેટલીક નંબર પ્લેટો પણ મળી આવી છે. વાહનની અંદરથી મળી રહેલી કેટલીક નંબર પ્લેટો મુકેશ અંબાણીની સુરક્ષા હેઠળના વાહનોની નંબર પ્લેટો સાથે મળતી આવતી હતી. હાલમાં મુંબઇ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જો કે ATSના અધિકારીઓ આતંકવાદી એંગલ ચકાસી રહ્યા છે. આ સાથે જ આ મામલે ગામદેવી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.