- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રક્ષાબંધનના દિવસે કરી મહત્ત્વની જાહેરાત
- મધ્યપ્રદેશમાં કોલેજમાં એડમિશન લેનારી બાળકીઓને મળશે 20,000 રૂપિયાની રોકડ રકમ
- કોલેજમાં એડમિશન લેનારી બાળકીઓને લાડલી લક્ષ્મી યોજના અંતર્ગત મળશે આ લાભ
ભોપાલઃ રવિવારે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં બાળકીઓએ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને (CM Shivraj Singh Chauhan) રાખડી બાંધી હતી. તો મુખ્યપ્રધાને પણ રાજ્યની બાળકીઓને આ પ્રસંગે એક ભેટ આપી છે. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, બાળકીઓને કોલેજમાં એડમિશનની સાથે જ લાડલી લક્ષ્મી યોજના અંતર્ગત 20,000 રૂપિયા મળશે.
આ પણ વાંચો-મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણના 61માં જન્મદિવસે PM મોદી અને અમિત શાહે પાઠવી શુભેચ્છા
બાળકીઓ પાસે રાખડી બંધાવવાની સાથે મુખ્યપ્રધાને કરી જાહેરાત
મધ્યપ્રદેશમાં શાસકીય (MP Government News) કાર્યક્રમ પહેલા બાળકીઓની પૂજા થાય છે. રક્ષાબંધનના પ્રસંગ પર મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે બાળકીઓ સાથે રાખડી બંધાવી હતી. આ પ્રસંગે જ મુખ્યપ્રધાને રાજ્યની બાળકીઓ અને બહેનો માટે મોટી જાહેરાત કરી છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, ભારતમાં પરિવાર વ્યવસ્થા વિશ્વ માટે આશ્ચર્ય છે અને અમારા માટે ગર્વનો વિષય છે, પરંતુ પરિવારને પણ સંભાળવાનું કામ આપણી બહેનો કરે છે.
આ પણ વાંચો-મમતા દીદી માનસિક સંતુલન ગુમાવી બેઠી છે: શિવરાજ સિંહ ચૌહાણ
બાળકીઓનું સન્માન અને સુરક્ષા અમારા માટે સર્વોપરિઃ મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાને રક્ષાબંધન નિમિત્તે કહ્યું હતું કે, બાળકીઓ માટે એક નહીં અનેક યોજના બનાવી છે. આજે પણ કોઈ પણ શાસકીય કાર્યક્રમના પ્રારંભમાં બાળકીઓની પૂજા કરીએ છીએ. આ એ વાતનું પ્રતિક છે કે, બાળકીઓનું સન્માન અને સુરક્ષા અમારા માટે સર્વોપરિ છે. અમે નક્કી કર્યું છે કે, બાળકીઓ કોલેજમાં એડમિશન લેશે તો તેમને 20,000 રૂપિયાની રોકડ રકમ આપવામાં આવશે. આ સાથે જ લાડલી લક્ષ્મી બાળકીઓને ખાતરી આપું છું કે, તેમની ઉચ્ચ શિક્ષાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. તે માટે આવશ્યક આર્થિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે.
અમે જિદ કરીને 30 ટકા રિઝર્વેશન બાળકીઓને આપ્યું
મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, અમે રાજકીય સશક્તિકરણ માટે મધ્યપ્રદેશમાં નિર્ણય કર્યો છે કે, સ્થાનિક એકમોની ચૂંટણીમાં 50 ટકા બેઠક બહેનો અને બાળકીઓ માટે આરક્ષિત રહેશે. તેનું જ પરિણામ છે કે, મોટી સંખ્યામાં અમારી બહેનો અને બાળકીઓ પંચ, સરપંચ, જિલ્લા પંચાયત, જનપદ પંચાયત અધ્યક્ષ, સભ્ય, મેયર, નગરપાલિકા, નગર પંચાયત અધ્યક્ષ અને કાઉન્સિલર બની છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, સરકારી નોકરી, પોલીસની ભરતીમાં પણ તેમનો વિરોધ થયો હતો, પરંતુ અમે જિદ કરીને 30 ટકા રિઝર્વેશન બાળકીઓને આપ્યું.
રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થશે
આ સાથે જ મુખ્યપ્રધાને બહેનો અને બાળકીઓને કોરોનાની રસી લઈ લેવા માટે અપીલ કરી હતી. 25 અને 26 ઓગસ્ટે અમે વ્યાપક પ્રમાણમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, 25એ પહેલો અને બીજો ડોઝ બંને લાગશે. જ્યારે 26એ માત્ર બીજો જ ડોઝ લગાવવામાં આવશે.