મધ્યપ્રદેશઃમધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023માં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આંધી ફૂંકાઈ હતી, પરંતુ આ આંધીમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ પણ હારી ગયા છે. જેમાં એક કેન્દ્રીય મંત્રી તેમજ અનેક રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને એક સાંસદનો પણ સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટીના માત્ર મોટા નેતાઓની જ હાર નથી થઈ પરંતુ અજેય ગણાતા કોંગ્રેસના અનેક નેતાઓને પણ જનતાએ પરાજયનો સ્વાદ ચખાવ્યો છે. મોદી લહેર છતાં હારેલા નેતાઓ એ વાતનું ઉદાહરણ છે કે પક્ષની ગતિવિધિઓ ઉપરાંત વ્યક્તિગત વ્યવહાર પણ સારો હોવો જોઈએ, નહીં તો જનતા સબક શીખવે છે.
મોદી લહેર બાદ પણ ભાજપના દિગ્ગજ નેતાઓ હાર્યા
- મંડલાની નિવાસ વિધાનસભાથી ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો આદિવાસી ચહેરો કેન્દ્રીય સ્ટીલ મંત્રી ફગન સિંહ કુલસ્તે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ચૈન સિંહ બરકડે સામે 9730 મતોથી હાર્યા છે.
- ભારતીય જનતા પાર્ટીમાં બીજી મોટી હાર નરોત્તમ મિશ્રાની છે, જે મધ્ય પ્રદેશ સરકારમાં ગૃહમંત્રી હતા, જેઓ દતિયા વિધાનસભાથી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર ભારતી સામે 7742 મતોથી હારી ગયા છે.
- બાલાઘાટ જિલ્લાથી ભાજપ સરકારમાં એક સમયે મંત્રી રહેલા બાલાઘાટના વરિષ્ઠ નેતા ગૌરી શંકર બિસેનને પણ હારનો સામનો કરવો પડ્યો છે.
- બાલાઘાટ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી રહી ચુકેલા પ્રદીપ જયસ્વાલ પણ પરાજીત થયાં છે.
- મધ્ય પ્રદેશ સરકારના આયુષ મંત્રી રામ કિશોર કાવરેનો પણ જનતાએ અસ્વીકાર કર્યો છે.
- સિદ્ધાર્થ કુશવાહાએ સતનાથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગણેશ સિંહને 4041 મતોથી હરાવ્યા.
- દેવેન્દ્ર પટેલે રાયસેન જિલ્લાની સિલવાની વિધાનસભાથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી રામપાલ સિંહને 11000 મતોથી હરાવ્યા છે.
- હરદા જિલ્લાની હરદા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રામકૃષ્ણએ ભારતીય જનતા પાર્ટીના નેતા અને કૃષિ મંત્રી કમલ પટેલને 870 મતોથી હરાવ્યા છે.
- ગ્વાલિયર જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ માયા સિંહ અને ઈમરતી દેવીને પણ જનતાએ સત્તા સાથે સેવા કરવાની તક આપી નથી.