નર્મદાપુરમ:અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ભાજપના વરિષ્ઠ નેતા સરતાજ સિંહ હવે આ દુનિયામાં રહ્યાં નથી. તેમના નિધનના સમાચાર મળતા જ નર્મદાપુરમ સહિત સમગ્ર રાજ્યમાં તેમના સમર્થકો અને રાજકીય વતૃળોમાં શોકની લાગણી ફરી વળી ગઈ છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. ભોપાલની હોસ્પિટલમાં સરતાજ સિંહની સારવાર ચાલી રહી હતી. તેમના પાર્થિવ દેહને ભોપાલ સ્થિત તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે. ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.
Sartaj Singh Passed Away: પૂર્વ કેન્દ્રીય મંત્રી સરતાજ સિંહનું નિધન, ભોપાલની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ - સરતાજ સિંહની રાજકીય સફર
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સરતાજ સિંહનું 83 વર્ષની વયે ભોપાલની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. સરતાજ સિંહ ઘણા સમયથી બીમાર હતા. તેઓ 5 વખત સાંસદ અને 2 વખત ધારાસભ્ય રહી ચુક્યાં છે, અટલ બિહારી વાજપેઈની સરકારમાં સરતાજ સિંહ કેન્દ્રીય મંત્રી હતા. સરતાજ સિંહે ઈટારસી મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા બાદ પ્રમુખ તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી.

Published : Oct 12, 2023, 1:09 PM IST
સરતા સિંહની રાજકીય સફરઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી સરતાજ સિંહનો જન્મ 26 મે 1940ના રોજ થયો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ સરતાજ સિંહનો પરિવાર ઈટારસીમાં સ્થાયી થયો હતો. વર્ષ 1960માં સરતાજ સિંહ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતાં. ત્યાર બાદ તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા. તેઓ ઇટારસી નગરપાલિકાના કાર્યકારી અધ્યક્ષ બન્યા. સરતાજ સિંહ 1989 થી 1999 સુધી સતત ચાર વખત હોશંગાબાદ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન સરતાજ સિંહે કોંગ્રેસના નેતા રામેશ્વર નીખરા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન સિંહને હરાવ્યા હતા. જોકે, વર્ષ 1999માં સરતાજ સિંહે લોકસભાની ચૂંટણી લડી ન હતી પરંતુ 2004માં તેઓ ફરી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા. સરતાજ સિંહે 16 મે 1996 થી 1 જૂન 1996 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે સેવાઓ આપી હતી. તેઓ મધ્યપ્રદેશ સરકારમાં પણ મંત્રી પદ સંભાળી ચૂક્યા છે.
જીવનનો અંતિમ તબક્કો કોંગ્રેસમાંઃ ભાજપના સૌથી જૂના નેતાઓમાંથી એક સરતાજ સિંહ ચૂંટણી મેદાનમાં અજેય ગણાતા હતા. આ પછી તેઓ લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીમાં ઉપેક્ષાનો શિકાર બનતા રહ્યાં. વર્ષ 2018માં ભાજપે તેમને વિધાનસભાની ટિકિટ આપી ન હતી, તેથી નારાજ થઈને તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. વર્ષ 2018માં તેઓ કોંગ્રેસ તરફથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ફરી પછી તેઓ વર્ષ 2020માં ભાજપમાં જોડાયા હતા.