નવી દિલ્હી: ભારતમાં હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે 20 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. 'ધ BMJ' (બ્રિટિશ મેડિકલ જર્નલ) માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ભારતમાં દર વર્ષે બહારનું વાયુ પ્રદૂષણ 21 લાખ 80 હજાર લોકોના જીવ લે છે. આ મામલે ભારત ચીન પછી બીજા સ્થાને છે. સંશોધન મુજબ, ઉદ્યોગ, વીજ ઉત્પાદન અને પરિવહનમાં અશ્મિભૂત ઇંધણના ઉપયોગથી થતા વાયુ પ્રદૂષણને કારણે વિશ્વભરમાં દર વર્ષે 51 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. સ્વચ્છ અને નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરીને આ મૃત્યુને ઘટાડી શકાય છે.
દક્ષિણ અને પૂર્વ એશિયામાં વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુ સૌથી વધુ હતા. ચીનમાં દર વર્ષે 24.40 લાખ લોકો અને ભારતમાં 21.80 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. તેમાંથી 30 ટકા હૃદય રોગ, 16 ટકા સ્ટ્રોક, 16 ટકા ફેફસાના રોગ અને છ ટકા ડાયાબિટીસ સાથે સંકળાયેલા હતા.
સંશોધકોએ જણાવ્યું હતું કે અશ્મિભૂત ઇંધણને તબક્કાવાર બંધ કરવાથી દક્ષિણ, દક્ષિણપૂર્વ અને પૂર્વ એશિયામાં મૃત્યુમાં મોટો ઘટાડો થશે, જે વાર્ષિક આશરે 38.50 લાખ જેટલા થાય છે. ઉજાલા સિગ્નસ ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ ઈન્ટરનલ મેડિસિન ડૉ. શુચિન બજાજે જણાવ્યું હતું કે, પાર્ટિક્યુલેટ મેટર (PM), નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ જેવા પ્રદૂષકો લોકો માટે ગંભીર શ્વસન અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઊભું કરે છે. આ પ્રદૂષકોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી મૃત્યુદર વધે છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ જોખમ હોય છે.
એસોસિયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સના સ્થાપક નિયામક ડો. ગિરધર જ્ઞાનીએ જણાવ્યું હતું કે હવામાં રહેલા ઝેરી પ્રદૂષકો અકાળ મૃત્યુ સહિત ગંભીર આરોગ્ય જોખમો ઉભી કરે છે. તેથી, લોકોએ માસ્ક પહેરવા અને જાહેર પરિવહન જેવા રક્ષણાત્મક પગલાંનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સરકાર અને જનતાએ સંયુક્ત પ્રયાસો કરવા પડશે.
- Lower Sleep Quality : વાયુ પ્રદૂષણ, ગરમી ઊંઘની નીચી ગુણવત્તા સાથે સંકળાયેલ છે: અભ્યાસ
- દુનિયાનો સૌથી મોટો સર્વેમાં જાણવા મળ્યું કે, વાયુ પ્રદૂષણ સાથે શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે