નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. અર્જુન મેઘવાલ મૂળ રાજસ્થાનના છે. વડાપ્રધાન મોદીએ આ અંગે એક બેઠક યોજી હતી. એ પછી રાષ્ટ્રપતિ મુર્મુએ મંત્રીમંડળમાં ફેરફાર કરવા માટેની મંજૂરી આપી હતી. અર્જુન મેઘવાલ પાસે કેન્દ્રીય સાંસ્કૃતિ અને સંસદીય કાર્યનો પોર્ટફોલિયો હતો. મહત્ત્વની વાત એ છે કે, આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એને લઈને કેન્દ્રીય નેતૃત્વમાં રાજસ્થાન તરફી વલણ રાખીને નિર્ણય કરાયો હોઈ શકે છે. કિરેણ રિજિજૂને ભૂ વિજ્ઞાનની જવાબદારી સોંપવામાં આવી છે.
કોણ છે મેધવાલઃ અર્જુનરામ મેઘવાલ મૂળ રાજસ્થાનના બિકાનેરના સાંસદ છે. વર્ષ 2009 માં, તેઓ બીકાનેર મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તારીખ 2 જૂન 2009 ના રોજ લોકસભામાં સંસદ સભ્ય તરીકે શપથ લીધા. સામાન્ય ચૂંટણી 2014માં, તેઓ બિકાનેરના મતવિસ્તારમાંથી 16મી લોકસભા માટે ફરીથી ચૂંટાયા હતા. સાંસદ તરીકેના તેમના બીજા કાર્યકાળ દરમિયાન, તેઓ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય દંડક હતા.