- 4 વર્ષ અગાઉ મનીષાબેન ભાવસાર થયા હતા ગુમ
- પરિવારજનોએ શોધખોળ કરી હોવા છતા લાગ્યો ન હતો પત્તો
- ઓડિશાના એક NGO દ્વારા મહિલાને પરિવાર સાથે મેળાપ કરાવાયો
બેરહામપુર(ઓડિશા): અમદાવાદથી ગુમ થયેલી એક મહિલા 4 વર્ષ બાદ 1700 કિલોમીટર દૂર આવેલા ઓડિશાના બેરહામપુર ખાતેથી મળી આવી છે. મધ્યમવર્ગીય પરિવારની આ મહિલા ગુમ થયા બાદ તેણીની શોધમાં પરિવારજનોએ શહેર આખું ખૂંદી નાખ્યું હતું. જોકે, ઓડિશાના બેરહામપુરમાં એક NGO દ્વારા આ મહિલાના પરિવારજનોને શોધીને તેમનો સંપર્ક કરાતા પરિવારજનો તેણીને લેવા માટે ઓડિશા પહોંચ્યા હતા. જ્યાં છેલ્લા 4 વર્ષથી બેરહામપુરના નર્મદા શિશુ ભવન ખાતે રહેતી મહિલા અને તેણીના પરિવારજનોની મુલાકાત વેળાએ હ્રદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
પતિ રિક્ષા ચલાવીને 4 સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવે છે
અમદાવાદમાં આવેલા વિવેકાનંદનગરમાં રહેતા દેવીદાસ ભાવસાર રિક્ષા ચલાવીને 4 સભ્યોના પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અંદાજે 4 વર્ષ અગાઉ એક દિવસે માનસિક રીતે અસ્વસ્થ એવી તેમની પત્ની મનીષા ગુમ થઈ ગઈ હતી. તે માનસિક અસ્વસ્થ હોવાથી પરિવારજનો વધારે ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા અને શોધખોળમાં શહેરનાં ખૂણેખૂણા ફેંદી નાંખ્યા હતા. તેમ છતા તેણીનો કોઈ પત્તો ન લાગતા અંતે પોલીસ સ્ટેશનના દરવાજા પણ ખટકાવ્યા હતા.
કઈ રીતે થઈ હતી મહિલા ગુમ?
ગુમ થયા બાદ મહિલાને તેણીના પરિવારજનો શહેરભરમાં શોધી રહ્યા હતા. ત્યારે તે કોઈક રીતે રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી અને ત્યાંથી ટ્રેનમાં બેસીને અમદાવદથી 1,702 કિલોમીટર દૂર આવેલા ઓડિશાના બેરહામપુર પહોંચી ગઈ હતી. બેરહામપુરના રસ્તાઓ પર ફરી રહેલી માનસિક અસ્વસ્થ મહિલાને સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાંથી તેના કોઈ વાલી વારસો ન મળતા અંતે બૈકુંઠનગર સ્થિત મિશન ઓફ ચેરિટી સંચાલિત નર્મદા શિશુ ભવનમાં લઈ જવામાં આવી હતી. જ્યારબાદથી તે ત્યાં જ રહેતી હતી.