મુંબઈ:પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. આ વખતે તેની પત્નીએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેની સામે મારપીટ કરવાનો કેસ દાખલ કર્યો છે, જેમાં આરોપ છે કે તેણે દારૂના નશામાં તેના ફ્લેટમાં તેની સાથે મારપીટ કરી હતી. વિનોદ કાંબલીની પત્નીએ આરોપ લગાવ્યો છે કે વિનોદ કાંબલીએ રસોઈ બનાવવાનું હેન્ડલ તેના પર ફેંક્યું હતું જેના કારણે તેના માથામાં ઈજા થઈ હતી.
શું બની હતી ઘટના?: આ ઘટના શુક્રવારે બપોરે 1 થી 1.30 વાગ્યાની વચ્ચે બની હતી જ્યારે કાંબલી નશાની હાલતમાં બાંદ્રા સ્થિત તેના ફ્લેટ પર પહોંચ્યો હતો અને તેણે તેની પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ પછી તે દોડીને રસોડામાં ગયો અને રસોઈ બનાવવાની તપેલીનું હેન્ડલ લઈને તેની પત્ની પર ફેંકી દીધું. બાંદ્રા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ આવે તે પહેલાં કાંબલીની પત્નીએ ભાભા હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી હતી.
ધરપકડ થવાની શક્યતા: પોલીસના જણાવ્યા મુજબ, વિનોદ કાંબલીની પત્નીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને એ પહેલાં મુંબઈની ભાભા હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી હતી. પત્નીના જણાવ્યા મુજબ, વિનોદ કાંબલી નશામાં ધૂત થઈને ઘરે આવ્યો હતો અને પછી અપશબ્દો બોલ્યો હતો. બાદમાં તેણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે સમજ્યો નહીં. સમજાવવા જતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કર્યો હતો. તેણે ફરિયાદમાં કહ્યું છે કે, વિનોદ કાંબલી અપશબ્દો બોલ્યા હતા અને દારુના નશામાં તેની સાથે મારપીટ કરી હતી. જો કે, હજુ સુધી વિનોદ કાંબલીની ધરપકડ થઈ નથી.