- હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ
- ઘણા સ્થળોએ Heavy Rain અને વાદળ ફાટવાની અનેક ઘટનાઓ
- 16 જુલાઇ સુધી રાજ્યમાં હવામાન ખરાબ રહેવાની આગાહી
શિમલા (હિમાચલ પ્રદેશ) : હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે કહેર સર્જાયો છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ (Heavy Rain)ને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ઘણા સ્થળોએ ભારે વરસાદ અને વાદળ ફાટવાની અનેક ઘટનાઓ નોંધાઈ છે. 16 જુલાઇ સુધી રાજ્યમાં હવામાન ખરાબ રહેશે. રાજ્યમાં આજે મંગળવારે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજ્યમાં 14, 15, 16 જુલાઇએ હવામાન ખરાબ રહેવાની સંભાવના
હવામાન વિભાગે ચંબા, કાંગરા, મંડી, શિમલા, બિલાસપુર, સિરમૌરમાં ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરી છે. રાજ્યમાં 14, 15, 16 જુલાઇએ હવામાન ખરાબ રહેશે. પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈ ચેતવણી આપવામાં આવી નથી. રાજ્યમાં વરસાદને કારણે તાપમાન પણ નીચે આવી ગયું છે.
જિલ્લાના તમામ ડેપ્યુટી કમિશ્નરોને એલર્ટ કરવામાં આવ્યા
રાજ્યના સરકાર દ્વારા જિલ્લાના તમામ ડેપ્યુટી કમિશ્નરોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેથી લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. મુખ્યપ્રધાન જય રામ ઠાકુરે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓનું સ્વાગત છે અને રાજ્ય સરકાર તેઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ પ્રયાસ કરશે. મુખ્યપ્રધાન જય રામ ઠાકુરે જણાવ્યું કે, પ્રવાસીઓએ કાળજી લેવી જોઇએ કે, તેઓ પાણીનો પ્રવાહ વહન કરતા વિસ્તારોમાં ન જાય.
વરસાદના કારણે 184 રસ્તા ટ્રાફિક માટે અવરોધિત થયા
વરસાદથી રાજ્યનું સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે. સોમવારે વરસાદના કારણે 184 રસ્તા ટ્રાફિક માટે અવરોધિત થયા છે. સાર્વજનિક બાંધકામ વિભાગે રસ્તાઓને પુન:સ્થાપિત કરવા માટે ડૂઝર, JCB મશીનો અને અન્ય મશીનરી મુકી છે. જોકે, સોમવારે મોડી સાંજ સુધીમાં 100થી વધુ રસ્તા ટ્રાફિક માટે પૂર્વવત કરાયા છે.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશ : ભારે વરસાદને કારણે ધર્મશાળામાં તારાજી સર્જાઈ
વાયર તૂટવાને કારણે 137 પાવર ટ્રાન્સફોર્મર અટવાયા
મંગળવાર સુધીમાં મોટાભાગના રસ્તાઓ પુન:સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક થાંભલાઓ અને વાયર તૂટી જવાને કારણે રાજ્યમાં 137 પાવર ટ્રાન્સફોર્મર અટવાયા હતા. અનેક જગ્યાએ વીજ પુરવઠો અટવાયો છે. પીવાના પાણીની યોજનાઓને કારણે ઘણા વિસ્તારોમાં કાદવને લીધે અસર થઈ છે.
ધર્મશાળાના ચૈત્રરૂ ગામમાં પાણીના પ્રવાહને કારણે એક ઘર નદીમાં ડૂબી ગયું
કાંગડા જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. પર્યટક શહેર ધર્મશાળાના ભાગસૂનાગમાં પાણીના જોરદાર પ્રવાહમાં વાહનો વહી ગયા હતા. નાળાઓ ઉભરાતા હોટેલો અને મકાનોને ભારે હાલાકી વેઠવી પડી છે. ધર્મશાળાના ચૈત્રરૂ ગામમાં પાણીના પ્રવાહને કારણે એક ઘર નદીમાં ડૂબી ગયું હતું.