ન્યૂઝ ડેસ્ક : શ્રેણીબદ્ધ ટ્વીટમાં, નાણા ખાતાના રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે સરકારે રસીકરણ અભિયાન પાછળ કુલ રૂ. ૪,૭૭૪.૪૫ કરોડ ખર્ચ્યા છે. તેણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઈઆઈ)ને રૂ. ૩૬૩૯.૬૭ કરોડ ચૂકવ્યા છે. એસઆઈઆઈ વિશ્વની સૌથી મોટી રસી નિર્માતા છે. સરાકરે હૈદરાબાદ સ્થિત ભારત બાયૉટૅકને રૂ. ૧,૧૦૪.૭૮ કરોડ ચૂકવ્યા છે.
એસઆઈઆઈને ચૂકવણીમાં મે, જૂન અને જુલાઈ માસમાં ૧૧ કરોડ ડૉઝ આપૂર્ત કરવાના અનુસરણ આદેશ (ઑર્ડર) માટે રૂ. ૧,૭૩૨.૫૦ કરોડની આગોતરા ચૂકવણીનો પણ સમાવેશ થાય છે અને ૧૫ કરોડ ડૉઝ કરતાં વધુની આપૂર્તિ કરવાના પ્રારંભિક આદેશ માટે રૂ. ૨૩૫૩.૦૯ કરોડની બિલમાં મૂકાયેલી રકમ સામે રૂ. ૧,૯૦૭.૧૭ કરોડ ચૂકવવાનો પણ સમાવેશ થાય છે.
અનુરાગ ઠાકુર મુજબ, એસઆઈઆઈએ સરકારે મૂકેલા આદેશ- ૨૬.૬૦ કરોડ ડૉઝના કુલ આદેશ સામે કૉવિશિલ્ડના કુલ ૧૪.૩૪૪ કરોડ ડૉઝની આપૂર્તિ કરી છે.
આ જ રીતે, હૈદરાબાદ સ્થિત ભારત બાયૉટૅક કે જે સ્વદેશી કૉવેક્સિનનું ઉત્પાદન કરે છે, તેના કિસ્સામાં, સરકારે કુલ આઠ કરોડ ડૉઝની આપૂર્તિ માટે કુલ રૂ. ૧,૧૦૪.૭૮ કરોડની ચૂકવણી અત્યાર સુધીમાં કરી છે. આ રકમમાં બીજા ભાગમાં મે, જૂન અને જુલાઈમાં આપૂર્ત કરવાના કુલ પાંચ કરોડ ડૉઝની આપૂર્તિ માટે રૂ. ૭૮૭.૫ કરોડની આગોતરા ચૂકવણીનો સમાવેશ થાય છે.
જોકે પ્રધાન ઠાકુરનાં ટ્વીટ પરથી એ સ્પષ્ટ નથી કે આ બંને રસી ઉત્પાદકોને ગત નાણાકીય વર્ષમાં કેટલાં નાણાં ચૂકવાયાં અને રૂ. ૩૫,૦૦૦ કરોડના આ વર્ષના રસીકરણ બજેટમાંથી કેટલી રકમ ચૂકવવામાં આવી.
કેન્દ્રએ સ્થાનિક ઉત્પાદકોને આદેશ આપવામાં વાર કરી જેનાથી રસીકરણના કાર્યક્રમની ગતિ ધીમી પડી ગઈ અને તેના લીધે દેશભરમાં કૉવિડ કેસો અને મૃત્યુમાં અભૂતપૂર્વ વધારો થયો તેવી વધી રહેલી ટીકાના પગલે અનુરાગ ઠાકુરનાં આ ટ્વીટ આવ્યાં છે. વિપક્ષોએ એવો આક્ષેપ પણ કેન્દ્ર પર કર્યો કે અન્ય દેશોમાં વપરાશમાં રહેલી રસીઓને અનુમતિમાં ઢીલ કરી. જો તેમ ન કર્યું હોત તો દેશમાં રસીકરણ ઝડપથી વધુ સંખ્યામાં લોકોને આપી શકાયું હોત.
આ સપ્તાહની શરૂઆતમાં કેન્દ્રએ એવા સમાચાર અહેવાલોને રદિયો આપ્યો કે તેણે આ વર્ષના માર્ચ પછી દેશના બંને રસી ઉત્પાદકોને કોઈ નવો આદેશ (ઑર્ડર) નથી આપ્યો. એક અખબારી યાદીમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે આવા સમાચાર અહેવાલો તથ્યની રીતે ખોટા છે કારણકે કેન્દ્ર સરકારે ૨૮ એપ્રિલના રોજ ૧૬ કરોડ રસીની આપૂર્તિ માટે તાજો આદેશ આપેલો હતો, જેમાંથી ૧૧ કરોડ એસઆઈઆઈ અને પાંચ કરોડ ભારત બાયૉટૅક પાસેથી લેવાની હતી અને બંને રસી ઉત્પાદકોને એ જ દિવસે રૂ. ૨,૫૨૦ કરોડની આગોતરા ચૂકવણી કરી હતી. આ રકમ વર્તમાન નાણાકીય વર્ષ માટે અનુમતિપ્રાપ્ત કુલ રૂ. ૩૫,૦૦૦ કરોડના બજેટના માત્ર ૭.૨ ટકા જ છે.
કુલ નાણાં
વર્તમાન નાણાકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કોરોના રસી ઝુંબેશ માટે રૂ. ૩૫,૦૦૦ કરોડ ફાળવવાની ઘોષણા કરી હતી. "મેં અંદાજપત્રના અંદાજ (બીઇ) ૨૦૨૧-૨૨માં કૉવિડ-૧૯ની રસી માટે રૂ. ૩૫,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે. જો આવશ્યકતા હશે તો હું વધુ ભંડોળની જોગવાઈ કરવા પણ કટિબદ્ધ છું." નાણાં પ્રધાને આમ કહેતાં ઉમેર્યું હતું કે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૨,૨૩,૮૪૬ કરોડના આરોગ્ય બજેટને વર્તમાન નાણાકીય વર્ષમાં ૧૩૭ ટકા વધારીને રૂ. ૯૪,૪૫૨ કરોડ કર્યું છે. નાણા ખાતાના રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે ગુરુવારે જણાવેલી તાજી માહિતીથી એ જાણવા મળે છે કે કેન્દ્રએ અગાઉ અને વર્તમાન નાણાકીય વર્ષમાં માત્ર રૂ.૪૭૪૪.૪૫ કરોડની ચૂકવણી હજુ સુધી કરી છે જે આ વર્ષના રસી બજેટના ૧૩.૫૫ ટકા જેટલી છે.
૧૭.૧૫ કરોડ રાજ્યોને અપાયાં
તાજી માહિતી મુજબ, કેન્દ્રએ (છ મેની સ્થિતિએ) રાજ્યોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ૧૭.૧૫ કરોડ રસીના ડૉઝ નિઃશુલ્ક પૂરા પાડ્યા છે. આરોગ્ય કામદારોએ અત્યાર સુધીમાં ૧૬.૨૪ કરોડ રસી ડૉઝ આપ્યા છે જ્યારે ૧૩.૦૯ કરોડ કરતાં વધુ વ્યક્તિઓને ઓછામાં ઓછો એક ડૉઝ મળ્યો છે, ૩.૧૪ કરોડ લાભાર્થીઓને કૉવિડ રસીના બે ડૉઝ મળ્યા છે.
રસીકરણ કાર્યક્રમની પીછેહટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની આ વર્ષના જાન્યુઆરીમાં શરૂઆત કરી હતી. પહેલા તબક્કામાં દેશે ત્રણ કરોડ અગ્ર હરોળના કોરોના કામદારો, જેમાં આરોગ્ય કામદારો, સફાઈ કામદારો અને સુરક્ષા દળો તેમજ અગ્નિશામક દળના સભ્યોનો સમાવેશ થાય છે તેમને રસી આપવાનો ઉદ્દેશ્ય રાખ્યો હતો.
બીજા તબક્કાની શરૂઆત આ વર્ષના માર્ચમાં થઈ હતી. તેનો ઉદ્દેશ્ય ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને આવરી લેવાનો હતો. જોકે તે પછીના મહિને સરકારે ધોરણ હળવું કરી ૪૫થી ઉપરની ઉંમરના તમામ લોકોને આવરી લેવા નક્કી કર્યું હતું કારણકે કોરોનાના લીધે ૯૦ ટકા મૃત્યુ આંક આ વયજૂથમાંથી નોંધાયો હતો, પરંતુ ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી આપવામાં નિયંત્રણના નિર્ણયની વિપક્ષોએ ભારે ટીકા કરી હતી. વિપક્ષોએ નિઃશુલ્ક એકસમાન રસીકરણની માગણી કરી હતી. નવા ચેપમાં અભૂતપૂર્વ વધારો થયો હતો. ૧ માર્ચે ૧૧,૫૦૦ નવા કેસ હતા તે ૧ મેએ વધીને ૩.૯ લાખ થયા હતા. તેનાથી દેશ અને વિશ્વ ચોંકી ગયા હતા અને તેનાથી રસીકરણની વર્તમાન ગતિને વધારવાની આવશ્યકતા હોવાનું સાબિત થયું હતું.
તેનાથી સરકારને નવી નીતિ હેઠળ ૧૮ વર્ષની ઉંમરથી ઉપરના તમામ નિવાસીઓને રસી આપવાનું ખુલ્લું મૂકવા ફરજ પડી હતી. તેણે રાજ્યો અને ખાનગી હૉસ્પિટલોને પણ ઉત્પાદકો પાસેથી રસી સીધી પ્રાપ્ત કરવા અનુમતિ આપી હતી. પરંતુ રસીકરણ કેન્દ્રોમાં વધેલા ધસારાથી અનેક સ્થળોએ રસીની તંગી ઊભી થઈ હતી.
-ક્રિષ્નાનંદ ત્રિપાઠી, ઇટીવી ભારત