મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મરાઠા અનામત આંદોલન પર રાજકીય સમીક્ષા માટે બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુંબઈના શૈયાદ્રી ગેસ્ટ હાઉસમાં બેઠક માટે પહોંચી ગયા છે. શિવસેના(યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને આ બેઠકમાં આમંત્રણ અપાયું નથી. મુખ્ય પ્રધાન કાર્યાલયના એક અધિકારી અનુસાર શિંદે વિપક્ષી નેતાઓને સ્થિતિ કાબુમાં આવી શકે તે માટે સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરશે અને તેમનું સમર્થન પણ માંગશે.
પાંચ જિલ્લામાં ટ્રાન્સપોર્ટેશન સ્થગિતઃ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના કેટલકા વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ બની છે. પાંચ મરાઠાવાડ જિલ્લામાં રાજ્ય સંચાલિત બસ સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે. આ દરમિયાન બીડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લદાયો છે અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. પ્રદર્શનકર્તાઓએ રાજકીય નેતાના ઘરોને નિશાન બનાવવાનું શરુ કરી દીધું છે. મુખ્ય પ્રધાને જનતાને હિંસા ન કરવાની અપીલ કરી છે. તેમજ રાજકીય પક્ષોને આવી કોઈપણ ગતિવિધિમાં સામેલ ન થવા અનુરોધ કર્યો છે. જેનાથી પરિસ્થિતિ બેકાબૂ ન બની જાય.
કુનબી જાતિ પ્રમાણપત્રઃ મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક આદેશ જાહેર કર્યો હતો. જેમાં અધિકારીઓને યોગ્ય મરાઠા સમુદાયને કુનબી જાતિ પ્રમાણપત્ર આપવા જણાવ્યું છે. તેથી આ સમુદાય માટે ઓબીસી વર્ગ અંતર્ગત મળતા અનામત લાભો મેળવવાનો માર્ગ સરળ બને.