નવી દિલ્હી :પશ્ચિમ દિલ્હીના નરાયણા વિસ્તારમાં સ્થિત MCD સ્કૂલના લગભગ 23 વિદ્યાર્થીઓ અચાનક બેહોશ થઈ ગયા હતા. તેમને સારવાર અર્થે RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ શાળા પાસે ગેસ લીક થવાને કારણે તમામ વિદ્યાર્થીઓ બેહોશ થઈ ગયા હતા. જોકે, હજુ સુધી આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઉપરાંત આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
23 બાળકો બેહોશ થયા : દિલ્હી પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર શુક્રવારે બપોરે ઇન્દ્રપુરીની નિગમ પ્રતિભા વિદ્યાલયમાં કેટલાક બાળકોને ઉલટી થવા અંગે પીસીઆર કોલ આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ જે બાળકોની તબિયત સારી નહતી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં 23 બાળકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી સતત અપડેટ્સ લેવામાં આવી રહ્યા છે. હાલમાં મળતી માહિતી અનુસાર બધા જ વિદ્યાર્થીઓની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ સ્વસ્થ અનુભવી રહ્યા છે.