- ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે ભારે વરસાદ
- ગુજરાતના પ્રવાસીઓ કેદારનાથ સહિતની જગ્યાએ ફસાયા
- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તંત્રને કર્યું ખડે પગે
ન્યૂઝ ડેસ્ક : ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ કેદારનાથના દર્શન કરવા ગયેલા ગુજરાતીઓ પણ ભારે વરસાદ અને પુરની સ્થિતિને કારણે ફસાયા છે. આ ગુજરાતી બધા યાત્રીઓને રાજ્યમાં પરત લાવવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ગયા છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પુષ્કર ધામી સાથે કરી વાત
આ તકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "ઉત્તરાખંડમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે રાજ્યના યાત્રિકો ફસાયા છે તેના માટે તત્કાલ વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે.ઉત્તરાખંડના મુખ્યપ્રધાન શ્રી પુષ્કર ધામીજી સાથે સતત ટેલીફોનીક સંપર્ક ચાલુ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ પડખે રહી સૌની સલામતી માટે અહર્નિશ પ્રયાસ કરી રહી છે."
હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યપ્રધાનની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ હેલ્પ લાઇન- 079 23251900
વડાપ્રધાન મોદીએ પરિસ્થિત્નો તાગ મેળવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી અને પ્રધાન અજય ભટ્ટ સાથે વાત કરી હતી, આ વાતચીતમાં ભારે વરસાદના કારણે થયેલી પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.
અમદાવાદ અને રાજકોટના મોટા ભાગના યાત્રીઓ
ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ ગયા છે. ત્યાંની સરકાર દ્વારા વિસ્તારમાં હાલમાં રેડ એલર્ટ જાહેર કર્યા બાદ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડના 1 હજારથી વધુ ગુજરાતી યાત્રાળુઓ ફસાયેલા છે પણ તમામ યાત્રાળું અત્યારે સલામત છે. બીજીતરફ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઉત્તરાખંડના CM ના પુષ્કર ધામીના ટેલિફોનિક સંપર્કમાં છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, આ યાત્રીઓ મોટા ભાગના અમદાવાદ અને રાજકોટ છે.