નવી દિલ્હી : દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં આજે રિમાન્ડ પૂરા થયા બાદ ED મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરશે. તેમને બપોરે 2 વાગ્યે રાઉઝ એવન્યુ ખાતેના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અગાઉ 11 માર્ચે કોર્ટે સિસોદિયાને સાત દિવસના EDના રિમાન્ડ પર મોકલી દીધા હતા. EDએ 10 માર્ચે સાંજે સિસોદિયાની તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. એવી અપેક્ષા છે કે આજે ED વધુ પૂછપરછ માટે સિસોદિયાના રિમાન્ડ વધારવાની માંગ કરશે.
રિમાન્ડ પૂરા થયા બાદ ED આજે મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરશે : છેલ્લી વખતે, રિમાન્ડની માંગ કરતી વખતે, EDએ દલીલ કરી હતી કે, તેણે આબકારી નીતિ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે અન્ય સાત લોકોને નોટિસ મોકલી હતી. આ તમામ લોકોને સિસોદિયાની સામે બેસીને પૂછપરછ કરવાની છે. પરંતુ, ED હજુ સુધી તે તમામ સાત લોકોની સામે બેસીને સિસોદિયાની પૂછપરછ કરી શક્યું નથી. આથી ED રિમાન્ડ વધારવાની માંગ કરશે. નોંધનીય છે કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા અને વિધાન પરિષદ (MLC)ના સભ્ય કવિતાને પણ ED દ્વારા એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે ગુરુવારે તેમના કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કવિતા સ્વાસ્થ્યના કારણો અને મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાને કારણે EDની પૂછપરછ માટે પહોંચી ન હતી. તેણે પોતાના વકીલ મારફત EDને કાગળો મોકલ્યા હતા.