ઈમ્ફાલઃ બુધવારે મણિપુરમાં અનેક વિસ્તારોમાં હિંસા બેકાબુ બની ગઈ હતી. મણિપુર સરકારે હિંસાને કાબુમાં લેવા અને વધુ અનિચ્છનિય બનાવો ન બને તે માટે અનેક વિસ્તારોને અશાંત જાહેર કરી દીધા છે. મંગળવારથી જ હિંસાત્મક ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. જેના પરિણામે સરકારે 1 ઓક્ટોબર સુધી ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી હતી. આ ઉપરાંત 19 પોલીસ સ્ટેશન વિસ્તારો સિવાયના દરેક વિસ્તારોને અશાંત જાહેર કરવામાં આવ્યા છે.
AFSPA વધુ 6 મહિના સુધી લંબાવાયોઃ ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 24 માર્ચ 2023ના રોજ અરુણાચલ પ્રદેશ અને અસમ સરહદે આવેલા કેટલાક વિસ્તારોને અશાંત જાહેર કરાયા હતા. હવે આ વિસ્તારોમાં સશસ્ત્ર દળોની ડ્યૂટી એક ઓક્ટોબરથી વધુ છ મહિના સુધી વધારી દેવામાં આવી છે. સરકારે AFSPAની અવધિ વધુ 6 મહિના સુધી વધારી દીધી છે.
મૃત વિદ્યાર્થીઓના ફોટોઝ વાયરલઃ 6 જુલાઈના રોજ લાપતા બનેલા બે વિદ્યાર્થીઓની હત્યા થઈ હોય તેવા ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા મણિપુરમાં સ્થિતિ વણસી ગઈ હતી. આ વિદ્યાર્થીઓની હત્યાના વિરોધમાં બુધવારે મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહના નિવાસ સ્થાને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ કૂચ શરૂ કરી હતી. પોલીસ અને સુરક્ષા દળોએ આ વિદ્યાર્થીઓને અટકાવવા બળ પ્રયોગ કર્યો હતો. જેમાં ટીયર ગેસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આ વિસ્તારોમાં શાંતિ લાવવા તેમને અશાંત વિસ્તાર જાહેર કર્યા છે.
અશાંત જાહેર ન કરાયા હોય તેવા ખીણ વિસ્તારોઃ સરકારે AFSPAની અવધિ પહાડી વિસ્તારોમાં વધારી દીધી છે જ્યારે ખીણ વિસ્તારના કુલ 19 પોલીસ સ્ટેશન વિસ્તારોને બાકાત રખાયા છે. આ 19 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઈમ્ફાલ, લામ્ફેલ, શહર, સિંગજામેઈ, સેકમઈ, લામસાંગ, પાસ્ટલ, વાંગોઈ, પોરોમ્પટ, હિનગાંગ, લામલાઈ, ઈરિબુંગ, લીમાખોંગ, થૌબલ, બિષ્ણુપુર, નામબોલ, મોઈરાંગ, કાકચિન અને જિરબમનો સમાવેશ થાય છે.
સીબીઆઈને મામલો સોંપાયોઃ બંને વિદ્યાર્થીની હત્યાનો મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. સીબીઆઈ ડાયરેક્ટર અજય ભટનાગર પોતાની ટીમ સાથે બુધવારે ઈમ્ફાલ પહોંચી ગયા છે. આ મુદ્દે મુખ્ય પ્રધાન બીરેન સિંહ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે સતત સંપર્ક ચાલુ છે. સીક્યુરિટી એજન્સીઓને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. રાજ્યમાં હિંસાત્મક બનાવોને કાબુમાં લાવવા માટે મણિપુર પોલીસ, સીઆરપીએફ અને આરએએફની ટીમો ઈમ્ફાલ ખીણમાં ખડેપગે હાજર છે. રાજ્ય સરકારે 27થી 29 સપ્ટેમ્બર સુધી દરેક સ્કૂલો બંધ કરવાના આદેશ આપ્યા છે. દવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે કરફ્યુમાં છુટછાટ આપવામાં આવી છે.
- Manipur Violence News: મણિપુર સરકારે રાજ્યમાં જપ્ત કરાયેલા હથિયારોનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો
- Manipur Violence News: મણિપુરમાં હિંસા વકરી, વધુ 3 નાગરિકોના મૃત્યુ થયા