નવી દિલ્હી: મણિપુરમાં કાર્યરત ઉગ્રવાદી જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) એ બુધવારે સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા અને હિંસા છોડવા સંમત થયા છે. UNLF મણિપુરમાં કાર્યરત સૌથી જૂનું ઉગ્રવાદી સંગઠન છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં આ સમૂહ પર UAPA અંતર્ગત પ્રતિબંધ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે, યુએનએલએફના પ્રતિનિધિઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને મણિપુર સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રની સંઘર્ષ નિવારણ પહેલ હેઠળ ઉત્તર-પૂર્વના કેટલાક જાતીય સશસ્ત્ર જૂથો સાથે રાજકીય કરારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે ઇમ્ફાલ ખીણમાં કાર્યરત મણિપુરી સશસ્ત્ર જૂથ હિંસા છોડી દેવા અને ભારતીય બંધારણ અને કાયદાનું સન્માન કરીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા સંમત થયું છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત સરકાર અને મણિપુર સરકાર દ્વારા UNLF સાથે કરાયેલ શાંતિ કરાર છ દાયકા લાંબા સશસ્ત્ર સંઘર્ષનો અંત દર્શાવે છે. પ્રવક્તાએ કહ્યું કે આ સમજૂતી માત્ર યુએનએલએફ અને સુરક્ષા દળો વચ્ચેની દુશ્મનાવટને જ સમાપ્ત કરશે એટલું જ નહિ, પરંતુ સમુદાયની લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓને દૂર કરવાની તક પણ પૂરી પાડશે.
મણિપુરમાં મતૈયી અને આદિવાસી કુકી સમુદાયો વચ્ચે મે મહિનાથી જાતીય સંઘર્ષ ચાલી રહ્યો છે, જેના કારણે 180થી વધુ લોકોના મોત થયા છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સંમત મુદ્દાઓના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે શાંતિ દેખરેખ સમિતિની રચના કરવામાં આવશે. આ ઘટનાક્રમને રાજ્યમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે UNLFનું મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાથી ખીણમાં કાર્યરત અન્ય સશસ્ત્ર જૂથોને પણ શાંતિ પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત થશે.
- અમિત શાહે પશ્ચિમ બંગાળમાં કહ્યું- 2026માં રાજ્યમાં બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનશે
- મોદી કેબિનેટની મોટી જાહેરાત, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પાંચ વર્ષ માટે લંબાવી