મેંગલુરુ: કર્ણાટકના મેંગલુરુમાં શનિવારે એક વિસ્ફોટ બાદ ચાલતી ઓટોરિક્ષામાં આગ લાગી હતી. જેના કારણે ઓટો રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને એક મુસાફર દાઝી ગયા હતા. (Mangaluru autorickshaw blast )પોલીસ દ્વારા શેર કરાયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજમાં, ઓટોરિક્ષામાં નાના વિસ્ફોટ પછી આગ પકડતી જોઈ શકાય છે. આ સંબંધમાં ડીજીપી કર્ણાટકએ કહ્યું છે કે હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે વિસ્ફોટ આકસ્મિક નહોતો પરંતુ ગંભીર નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કરાયેલું 'આતંકવાદી કૃત્ય' હતું. કર્ણાટક રાજ્ય પોલીસ કેન્દ્રીય એજન્સીઓ સાથે તેની સંપૂર્ણ તપાસ કરી રહી છે.
કેન્દ્રીય તપાસ એજન્સીઓ:ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે, રાજ્ય પોલીસે મેંગલુરુમાં ઓટો-રિક્ષા બ્લાસ્ટની ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. આ કોઈ આતંકવાદી ઘટના હોઈ શકે તેવી શક્યતા છે. રાજ્ય પોલીસની સાથે કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ આ મામલાની તપાસ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ હાલમાં ઓટોમાં સવાર મુસાફરને મુખ્ય આરોપી માની રહી છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે મુસાફર પાસે પ્રેશર કુકર હતું જેનો ઉપયોગ બોમ્બ તરીકે કરવામાં આવ્યો હતો. મુસાફરની બેગમાં વિસ્ફોટ થતાં એક ઓટો રિક્ષા ચાલક અને એક મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ ખતરાની બહાર છે. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ, શહેર પોલીસ કમિશનર એન શશિ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યા પછી પત્રકારોને જણાવ્યું હતું કે ઓટોરિક્ષામાં "આગ" હતી અને ગભરાવાની જરૂર નથી.