- કેરળના પાલક્કાડ જિલ્લામાં બની અજીબોગરીબ ઘટના
- 10 વર્ષ પહેલા ગુમ થયેલી કિશોરી પ્રેમી સાથે રહેતી હતી
- પ્રેમી બન્નેના પરિવારથી આ વાત છૂપાવવા સફળ રહ્યો
કેરળ : પાલક્કાડ જિલ્લાના એક ગામમાંથી 10 વર્ષ અગાઉ ગુમ થયેલી કિશોરી પોતાના પ્રેમી સાથે મળી આવી છે. આ યુવતી છેલ્લા 10 વર્ષથી પોતાના પ્રેમીના એક રૂમના ઘરમાં રહેતી હતી. ચોંકાવનારી વાત એ છે કે, બન્નેના ઘર નજીકમાં જ હોવા છતા કોઈના પણ પરિજનોને કંઈ જાણ નહોતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, કિશોરી ફેબ્રુઆરી 2010માં નેમારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી ગુમ થઈ હતી. ગુમ થઈ તે સમયે કિશોરીએ 18 વર્ષ પૂર્ણ કર્યા હતા. પોલીસે તેણીના પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
માર્ચ 2021 સુધી નજીકમાં જ રહેતા હતા
પોલીસે જણાવ્યું હતું કે, યુવતીના પ્રેમીનું ઘર તેણીના માતા-પિતાના ઘરથી એકદમ નજીક હતું અને તેઓ માર્ચ 2021 સુધી ત્યાં જ સાથે રહેતા હતા. કરાક્ટુપારમ્બ ગામના એક રૂમના ઘરમાં રાખવામાં આવેલી આ યુવતીની દેખભાળ તેનો પ્રેમી જ કરતો હતો. રાત્રિ દરમિયાન આ યુવતી બારીમાંથી બહાર જતી હતી. એક રૂમના ઘરમાં કોઈ શૌચાલય પણ ન હતું. તેનો પ્રેમી ભોજન સહિત જરૂરિયાતનો સામાન આપીને ઘરને બહારથી બંધ કરી દેતો હતો.