દુર્ગ ભિલાઈઃ પોલીસ સ્ટેશનની અંદર ગુંડાગર્દી કરનાર કાઉન્સિલર અભય સોની અને તેના દીકરાની ધરપકડ ન થવાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આ ઘટનાના વિરોધમાં શીખ સમાજનો યુવક સતપાલ સિંહ મોબાઈલ ટાવર પર ચઢી ગયો છે. સતપાલ સિંહ સેક્ટર 10 માર્કેટમાં મોબાઈલ ટાવર પર ચઢ્યો અને આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહી ઉતરવાનો નિશ્ચય કર્યો છે. પોલીસે 20 નવેમ્બરના રોજ સતપાલ સિંહને કાઉન્સિલર અભય સોની અને તેના દીકરા પર કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. જો કે ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાથી સતપાલ સિંહે આ પગલું ભર્યું છે.
સતપાલ સિંહ માઈક સાથે ટાવર પર ચઢી ગયો છે. ટાવર પરથી તે માઈક દ્વારા નીચે હાજર લોકો અને સ્થાનિક મીડિયા કર્મચારીઓ સાથે વાત કરી રહ્યો છે. સતપાલ સિંહે કહ્યું કે મને ન્યાય જોઈએ છે. પોલીસ સ્ટેશનમાં મને મારવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે જો 295 A કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો હોય તો કાઉન્સિલર જેલ જવું પડશે. કોર્ટ તેનો ચુકાદો કરશે. આરોપીઓની ધરપકડ બાદ તેનો વીડિયો જોયા બાદ જ હું ટાવર પરથી નીચે ઉતરીશ.
ભિલાઈના વોર્ડ 64ના કૉંગ્રેસી કાઉન્સિલર અભય સોની અને તેના દીકરા પર ત્રણ દિવસ પહેલા સતપાલ સિંહ સાથે મારપીટ અને અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ મારપીટનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ સતપાલ સિંહે ભિલાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં કાઉન્સિલર અભય સોની અને તેના દીકરાએ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર બાબતે સતપાલ સિંહ સાથે ગાળાગાળી કરીને મારપીટ કરી હતી.
સતપાલ સિંહ જ્યારે પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે આરોપીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આરોપીઓએ પોલીસની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં જ સતપાલ સિંહ સાથે મારપીટ કરી હતી. આરોપીઓએ સતપાલ સિંહની પાઘડી ઉછાળી હતી. આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં જ ગુંડાગર્દી કરી હતી. પોલીસે સતપાલ સિંહને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. જો કે ત્રણ દિવસ વીતી જવા છતાં કોઈ કાર્યવાહી ન થવાથી આજ સવારથી જ સતપાલ સિંહ માઈક લઈને મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. તે પોલીસ સત્વરે કાર્યવાહી કરે તેવી માંગણી કરી રહ્યો છે. અત્યારે લોકો અને તંત્ર દ્વારા સતપાલ સિંહને ટાવરની નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી છે.
- મોરબીમાં દલિત યુવક સાથે થયેલા અત્યાચારના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, કલેક્ટરને આવેદન અપાયું
- પ્રેમની તાલિબાની સજા ! પ્રેમીના પરિવારજનોએ લીવ ઈન રિલેશનશિપમાં રહેતી પ્રેમિકાના વાળ કાપ્યા, નગ્ન કરી માર માર્યો