અમલાપુર(આંધ્ર પ્રદેશ): રાજ્યના કોનસીમા જિલ્લાના અમલાપુર શહેરમાં રહેતા 6 લોકોનું અમેરિકામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. મંગળવાર રાત્રે અમેરિકાના ટેક્સાસમાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ 6 લોકોના મૃત્યુ થયા હતા. આ 6 જણા આંધ્ર પ્રદેશની મુમ્મીદિવરમ બેઠકના ધારાસભ્ય પી. વેંકટ સતીશના સંબંધી હતા.
અમેરિકાના ટેક્સાસના ક્લેબર્ન શહેર પાસે હાઈવે નં.67 પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 કારમાં 7 વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા. આ કાર એક પૂરઝડપે આવતી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ હતી. 7માંથી 6 મુસાફરો આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં પી. નાગેશ્વર રાવ, સીતા મહાલક્ષ્મી, નવીના, કૃતિક, નિશિતા અને વધુ એક સંબંધીનો સમાવેશ થાય છે. જ્યારે કારમાં હાજર એવા 7મા વ્યક્તિ લોકેશ ગંભીર રીતે ઘાયલ હોવાથી તેને સારવાર અર્થે હવાઈ માર્ગે હોસ્પિટલમાં ખસેડાયો છે.
અમેરિકન મીડિયા અનુસાર આ ગમખ્વાર અકસ્માતમાં સામેલ એવી ટ્રકમાં 2 લોકો સવાર હતા. આ બંને પણ ગંભીર રીતે ઘાયલ થયા છે તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જો કે આ બંને નાગરિકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
ધારાસભ્ય પી. વેંકટ સતીશે પીટીઆઈ ભાષાને જણાવ્યું હતું કે, મારા કાકા, કાકી, તેમની દીકરી અને બે નાના બાળકો અને અન્ય એક સંબંધી આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. આ દુર્ઘટના અમેરિકન સમય પ્રમાણે મંગળવાર સાંજે 4 કલાકે સર્જાઈ હતી. જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, મૃતકો અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાંટામાં ક્રિસમસની રજા ઉજવવા ગયા હતા. એટલાંટામાં પોતાના સંબંધી વિશાલના ઘરે ક્રિસમસ ઉજવી હતી. મૃતકો વિશાલના ઘરેથી એક ઝૂની મુલાકાતે ગયા હતા. તેલુગુ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા મૃતદેહોને ભારત પરત લાવવામાં મદદરુપ થઈ રહ્યું છે.
અમલાપુર નિવાસી કુમાર જણાવે છે કે મૃતક નાગેશ્વર રાવ તેમના પિતા પી સત્યાના નાના ભાઈ હતા. નાગેશ્વર રાવની દીકરી એટલાંટાની રહેવાસી હતી. તેમનું પણ મૃત્યુ આ અકસ્માતમાં થયું છે. બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ કુમાર સત્તાધીશ વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીના સભ્ય છે.
- વિદેશમાં મૃત્યુ પામનારા ભારતીયોના સ્વજનો મૃતદેહ પ્રાપ્ત કરી શકશેઃ MHAની સ્પષ્ટતા
- Porbandar News: જો લિસ્ટમાંથી નામ હટ્યું ન હોત મળી ગયું હોત જીવનદાન....એક મહિના પહેલા પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામેલા માછીમારના મૃતદેહને ભારત લવાશે