- લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષની કસ્ટડી પર આજે કોર્ટમાં સુનાવણી
- આશિષ મિશ્રા 9 ઓક્ટોબરના રોજ પોલીસ સમક્ષ હાજર થયો હતો
- સુપ્રીમ કોર્ટે લખીમપુર મામલે મુદ્દે યુપી સરકાર અને પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતા
લખીમપુર, ઉત્તરપ્રદેશ : લખીમપુર ખેરીમાં હિંસાના કેસમાં આશિષ મિશ્રાની પોલીસ કસ્ટડી પર આજે સોમવારે લખીમપુર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આશિષ લખીમપુરના ટીકુનિયા કેસમાં મુખ્ય આરોપી છે. તે 8 ઓક્ટોબરે પોલીસ સમક્ષ હાજર થવાનો હતો, પરંતુ આશિષ સમયસર પોલીસ સમક્ષ હાજર ન થયો અને પોલીસ તેની રાહ જોતી રહી હતી. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે આ મુદ્દે યુપી સરકાર અને પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આખરે, આશિષ મિશ્રા 9 ઓક્ટોબરના રોજ પોલીસ સમક્ષ હાજર થયો હતો, જ્યાં તેમની પોલીસ દ્વારા 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પૂછપરછ દરમિયાન આશિષ ઘણા સવાલોના જવાબ આપી શક્યો ન હતો, જે બાદ પોલીસે મોડી રાત્રે તેની ધરપકડ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
3 ઓક્ટોબરના રોજ થયેલી હિંસામાં 3 ખેડૂતો, એક પત્રકારના મોતની સાથે 3 ભાજપના કાર્યકરો અને કેન્દ્રીય પ્રધાનના ડ્રાઈવર પણ માર્યા ગયા હતા. આ કેસમાં 4 ઓક્ટોબરના રોજ ખેડૂત જગજીત સિંહની નિવેદન પર, કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ 302, 304 IPC સહિત તમામ ગંભીર કલમો સાથે કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ 8 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીના ઘરની બહાર નોટિસ લગાવીને પોલીસે આશિષ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો, પરંતુ શુક્રવારે પોલીસને તેની રાહ જોવી પડી હતી, પરંતુ આરોપી આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર થયો ન હતો.