નવી દિલ્હી: સંસદમાંથી હાંકી કાઢવામાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ સરકારી બંગલો ખાલી કરવાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. જસ્ટિસ સચિન દત્તાની બેંચ આવતીકાલે એટલે કે 19મી ડિસેમ્બરે આ અરજી પર સુનાવણી કરશે. મોઇત્રાએ પોતાની અરજીમાં સેન્ટ્રલ એસ્ટેટ ડિરેક્ટોરેટના આદેશને પડકાર્યો છે.
સુપ્રીમ કોર્ટમાં 3 જાન્યુઆરીએ સુનાવણી:એસ્ટેટ ડિરેક્ટોરેટે મોઇત્રાને 7 જાન્યુઆરી, 2024 સુધીમાં તેનો સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. અરજીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાએ માંગ કરી છે કે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી તેમને તેમના સરકારી બંગલામાં રહેવા દેવામાં આવે. તેમણે સંસદમાંથી તેમની હકાલપટ્ટીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 3 જાન્યુઆરીએ સુનાવણી કરશે.
એથિક્સ કમિટીની ભલામણ પર સદસ્યતા સમાપ્ત:8 ડિસેમ્બરના રોજ, લોકસભા સચિવાલયે મહુઆ મોઇત્રાની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરી દીધી હતી. સંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રાના પૈસા માટે પ્રશ્નો પૂછવાના આરોપોને સાચા માનીને સંસદનું સભ્યપદ સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. તેમના પર ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પૈસા લીધા બાદ સવાલો પૂછવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ હતો કે તેણે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લીધા હતા અને અદાણી વિશે પ્રશ્નો પૂછ્યા હતા અને હિરાનંદાની સાથે તેનો લોગ-ઇન પાસવર્ડ પણ શેર કર્યો હતો.
મમતાએ મહુઆનું સમર્થન કર્યું:લોકસભામાંથી હાંકી કાઢવા પર મમતા બેનર્જીએ કહ્યું હતું કે આ આપણી સંસદીય લોકશાહી માટે શરમજનક છે. જે રીતે તેમને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા તે યોગ્ય નહોતા. અમારી આખી પાર્ટી તેમની સાથે છે. કારણ કે બીજેપી અમને હરાવી શકતી નથી, તે બદલો લઈ રહી છે. TMC સુપ્રીમો મમતાએ કહ્યું કે મહુઆ ફરીથી સંસદમાં પહોંચશે અને તે પણ વિશાળ જનમત સાથે.
- PM મોદીનો આધ્યાત્મિક મંચ પરથી મોટો રાજકીય દાવ, 29 રાજ્યો સુધી પહોંચાડી પોતાના 'મનની વાત'
- શિયાળુ સત્ર 2023: અત્યાર સુધીમાં કુલ 67 સાંસદ બરતરફ, મોદી સરકાર પર ભડક્યો વિપક્ષ