નવી દિલ્હી: લોકસભાની એથિક્સ કમિટીની ગુરુવારે બેઠક મળશે, જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામે 'પૈસા લઈને પ્રશ્નો પૂછવા'ના કેસમાં ડ્રાફ્ટ રિપોર્ટ સ્વીકારી શકાય છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મોઇત્રા વિરુદ્ધ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી હતી. તેમણે મોઇત્રા પર ગિફ્ટના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર અદાણી જૂથને નિશાન બનાવવા માટે લોકસભામાં પ્રશ્નો પૂછવાનો આરોપ મૂક્યો હતો.
લોકસભા એથિક્સની કમિટીમાં કોણ છે: 15 સભ્યોની આ સમિતિમાં ભાજપના સાત સભ્યો, કોંગ્રેસના ત્રણ અને બસપા, શિવસેના, વાયએસઆર કોંગ્રેસ પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને જનતા દળ (યુનાઈટેડ)ના એક-એક સભ્ય છે. કમિટી દ્વારા મોઇત્રા સામેના લાગેલા આરોપો બદલ ગંભીર વલણ અપનાવે તેવી શક્યતા છે, ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસના સાંસદે છેલ્લી બેઠકમાં વિપક્ષી સભ્યો સાથે ગુસ્સે થઈને બહાર નીકળ્યા બાદ સમિતિના વડા વિનોદ કુમાર સોનકર પર અભદ્ર અને અંગત પ્રશ્નો પૂછવાનો આરોપ મૂક્યો હતો. એવા સંકેતો મળી રહ્યાં છે કે, વિપક્ષી સભ્યો અસંમતિ નોંધ આપવામાં આવે તેવી શક્યતા વચ્ચે, સમિતિ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પોતાની રિપોર્ટમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ વિરુદ્ધ ભલામણ કરી શકે છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે તેના સભ્યો એન ઉત્તમ કુમાર રેડ્ડી અને વી વૈથિલિંગમ અસંમતિ નોંધ રજૂ કરશે. કોંગ્રેસના ક્વોટામાંથી સમિતિના ત્રીજા સભ્ય પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહના પત્ની પરનીત કૌર છે. અમરિંદર સિંહ કોંગ્રેસ છોડી ચુક્યાં છે.