નવી દિલ્હીઃકેન્દ્ર સરકારે મંગળવારે એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેને સરકારે પીએમ મોદી તરફથી દેશની બહેનોને રક્ષાબંધનની ભેટ ગણાવી હતી. આ જાહેરાત બાદ બુધવારે દેશભરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 200 રૂપિયા સસ્તું થઈ ગયું, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં સૌથી સસ્તો અને મોંઘો એલપીજી સિલિન્ડર કયા શહેરમાં અને કેટલામાં ઉપલબ્ધ છે? દેશના અલગ-અલગ રાજ્યોમાં એલપીજીના ભાવ કેમ અલગ-અલગ છે? રાજ્યના અલગ-અલગ શહેરોમાં પણ એલપીજીના ભાવ અલગ-અલગ હોઈ શકે છે.
સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો:હાલમાં એલપીજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે વધે છે અને ઘટે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘરેલું ગેસના ભાવમાં વધારો થયો છે. જેના કારણે દરેક ઘરમાં મોંઘવારી ફુંફાડા મારી રહી છે. આવી સ્થિતિમાં સરકારે 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરીને મોંઘવારીથી રાહત આપી છે. આ સિવાય ઉજ્જવલા સ્કીમ હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ઉજ્જવલા સિલિન્ડર 400 રૂપિયા સસ્તું થઈ ગયું છે.
સૌથી મોંઘો સિલિન્ડર: એલપીજીના ભાવ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યા હતા. જેના કારણે ઘણા શહેરોમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1200 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. સરકારે કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ દેશના લગભગ તમામ રાજ્યો અને શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાની નીચે આવી ગઈ છે. પરંતુ બિહારની રાજધાની પટનામાં હજુ પણ સિલિન્ડરની કિંમત 1001 રૂપિયા છે, જે કેન્દ્ર સરકારના નિર્ણય પહેલા 1201 રૂપિયા હતી. આ સંદર્ભમાં, પટનામાં એલપીજી સિલિન્ડર સરકારના ડિસ્કાઉન્ટ પછી પણ સૌથી મોંઘું મળી રહ્યું છે.