નવી દિલ્હી : બિપરજોય ચક્રવાતનો માર જીલ્યા બાદ હાલમાં ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન ફેરવાઈ રહી છે. જે 21 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાનું અનુમાન છે. ચાલુ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન સર્જાયું છે. હિંદ મહાસાગર વિસ્તારમાં અનુસરવામાં આવેલા સૂત્ર મુજબ આ ચક્રવાતને 'તેજ' નામ આપવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ :ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી વાવાઝોડું રવિવારે વધુ તીવ્ર બનશે અને ઓમાનના દક્ષિણ કિનારા અને તેની નજીકના યમન તરફ આગળ વધવાની સંભાવના છે. જોકે, હવામાનશાસ્ત્રીઓ મતાનુસાર જેમ ચક્રવાત બિપરજોયના કિસ્સામાં બન્યું હતું તેમ અમુક સમયે ચક્રવાતના અનુમાનિત રુટ અને તીવ્રતામાં બદલાવ આવી થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, બિપરજોય જૂન મહિનામાં અરબી સમુદ્રમાં રચાયું હતું. જે શરૂઆતમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું. ત્યારબાદ ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લેન્ડફોલ થયું હતું.