દિલ્હી LGએ આમ આદમી પાર્ટીના બે નેતાઓને ડિસ્કોમ્સમાંથી બહાર કાઢ્યા નવી દિલ્હી : મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય સક્સેના વચ્ચે હજુ પણ બધું બરાબર નથી ચાલી રહ્યું. શનિવારે કાર્યવાહી કરતા એલજી વી.કે. સક્સેનાએ આમ આદમી પાર્ટીના બે નેતાઓ જસ્મીન શાહ અને નવીન એનડી ગુપ્તાને ઈલેક્ટ્રિસિટી બોર્ડ ડિસ્કોમમાંથી હટાવવાનો આદેશ જારી કર્યો હતો. એલજીના કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું છે કે, ડીસ્કોમમાં સરકાર દ્વારા નામાંકિત સભ્યોની જગ્યાએ, વીજળીના મામલાના નિષ્ણાતોને આયોગના સભ્ય બનાવવા જોઈએ.
લેફ્ટનન્ટ ગવર્નરને ફરિયાદ : ડિસ્કોમમાં આમ આદમી પાર્ટીના સભ્યોની નિમણૂક શરૂઆતથી જ વિવાદમાં રહી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરી, ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાએ આમ આદમી પાર્ટીના સભ્ય જસ્મીન શાહ અને AAP સાંસદના પુત્ર નવીન ગુપ્તાની નિમણૂક પર સવાલ ઉઠાવતા લેફ્ટનન્ટ ગવર્નરને ફરિયાદ કરી હતી. ડિસેમ્બરમાં પણ લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસને બીજી ફરિયાદ મળી હતી. હવે લેફ્ટનન્ટ ગવર્નરે બંને સભ્યોને હટાવવાનો આદેશ આપ્યો છે.
LGની કાર્યવાહી બાદ AAPની પ્રતિક્રિયા : આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, DISCOMsના બોર્ડમાંથી જસ્મીન શાહ અને નવીન ગુપ્તાને દૂર કરવાનો એલજીનો આદેશ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. એલજી પાસે આવા આદેશો જારી કરવાની સત્તા નથી, માત્ર ચૂંટાયેલી સરકારને જ વીજળીના વિષય પર આદેશ જારી કરવાની સત્તા છે. એલજીએ સુપ્રીમ કોર્ટ અને બંધારણના તમામ આદેશોની સંપૂર્ણ મજાક ઉડાવી છે, તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટના આદેશો તેમને બંધનકર્તા નથી.
શું છે સમગ્ર મામલો : તમને જણાવી દઈએ કે કેજરીવાલ સરકાર દ્વારા જસ્મીન શાહ અને નવીન ગુપ્તાને વીજળીના દર અને વીજળી વિતરણ કંપનીઓને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા રચવામાં આવેલા આ કમિશનમાં સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે લેફ્ટનન્ટ ગવર્નરે ગયા વર્ષે દિલ્હી સરકાર દ્વારા રચવામાં આવેલા દિલ્હી ડાયલોગ કમિશનના ઉપાધ્યક્ષ પદેથી જાસ્મિન શાહને હટાવવાનો આદેશ આપ્યો હતો અને તેમની ઓફિસને પણ સીલ કરી દેવામાં આવી હતી. તે જ સમયે, ડિસ્કોમમાંથી દૂર કરાયેલા બીજા સભ્ય નવીન ગુપ્તા છે, જે આમ આદમી પાર્ટીના સાંસદ એનડી ગુપ્તાના પુત્ર છે.
નામાંકન સ્પષ્ટપણે ગેરકાયદેસર :ડિસ્કોમ ભૂતકાળમાં પણ વીજળી નિષ્ણાતોને સભ્યો તરીકે નિયુક્ત કરતી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી સત્તામાં આવ્યા પછી તેમાં પાર્ટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર કહે છે કે ડિસ્કોમના બોર્ડમાં આ વ્યક્તિઓનું નામાંકન સ્પષ્ટપણે ગેરકાયદેસર હતું, કારણ કે કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. લેફ્ટનન્ટ ગવર્નરે અગાઉ પણ મુખ્યપ્રધાને આ અંગે જાણ કરીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ પહેલા નિમણૂકને લઈને સવાલો ઉઠાવ્યા :આ પહેલા પણ તત્કાલિન લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ અને અનિલ બૈજલે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલી નિમણૂકને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ફાઇલ પર તેમના દ્વારા નોંધવામાં આવેલા વાંધાઓ હોવા છતાં, 2019 માં, સામાન્ય લોકોની બોર્ડમાં સરકારી નોમિનેશન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જણાવી દઈએ કે દિલ્હી ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ કમિશનના અધ્યક્ષ અને સભ્ય 5 વર્ષ સુધી અથવા 65 વર્ષની ઉંમર સુધી હોદ્દો સંભાળી શકે છે. કમિશનમાં અધ્યક્ષ સહિત ત્રણ સભ્યો હોય છે.