- ચીફ જસ્ટિસ એન.વી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ આ મામલે સુનાવણી કરશે.
- લખીમપુર ખેરીમાં થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટે જાતે નોંધ લીધી
- આશિષ અને 15-20 અજાણ્યા લોકો સામે ટીકુનિયા પોલીસ સ્ટેશનમાં, ગુન્હો નોંધવામાં આવ્યો
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટે જાતે નોંધ લીધી છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી રમણની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ આજે એટલે કે ગુરુવારે આ મામલે સુનાવણી કરશે.
CBI સાથે સંકળાયેલી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ન્યાયિક તપાસ થવી જોઈએ
લખીમપુર કેસમાં બે વકીલોએ સુપ્રીમ કોર્ટને મોકલેલા પત્રમાં કહ્યું છે કે, ગૃહ મંત્રાલયને નિર્દેશ આપવો જોઈએ. આ સિવાય યુપી પોલીસને FIR નોંધવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે. પત્રમાં અપીલ કરવામાં આવી છે કે, લખીમપુર ખેરી ઘટનામાં સંડોવાયેલા પ્રધાનોને સજા કરવા માટે સૂચના આપવી જોઇએ. લખીમપુર કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) સાથે સંકળાયેલી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ન્યાયિક તપાસ થવી જોઈએ. લખીમપુર ખેરી કેસમાં પત્ર લખનાર એડવોકેટ શિવકુમાર ત્રિપાઠી અને સી.એસ પાંડાએ કહ્યું છે કે, ખેડૂતોનું મૃત્યુ એક ગંભીર બાબત છે, અને સુપ્રીમ કોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવો જ જોઇએ.
સાંસદ વરુણ ગાંધીએ હત્યાનો કેસ દાખલ કરીને કડક કાર્યવાહીની માંગ કરી
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ લખીમપુર કેસમાં સંડોવાયેલા તમામ શકમંદોની તાત્કાલિક ઓળખ કરીને અને IPC ની કલમ 302 (હત્યા) હેઠળ હત્યાનો કેસ દાખલ કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, 3 ઓક્ટોબરે ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને નિર્દયતાથી કચડી નાખવાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશના નાગરિકોમાં આક્રોશ અને ગુસ્સો પેદા કર્યો હતો. આ ઘટનાના એક દિવસ પહેલા, દેશ અહિંસાના પુજારી મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી હતી. લખીમપુર ઘેરીમાં આગલા દિવસે જ અમારા અન્નદાતાઓ માર્યા ગયા હતા તે ઘટના કોઈપણ સંસ્કારી સમાજમાં અક્ષમ્ય છે.
કિસાન મહાપંચાયતે જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની પરવાનગી માંગી હતી